આપણામાંના ઘણા લોકો માટે, સ્નો એટલે કે ક્રિસમસનો પર્યાય. ફિલ્મ મૂવીઝ, એડવેન્ટ કેલેન્ડર્સ અને ક્રિસમસ કાર્ડ્સ વ્હાઇટ ક્રિસમસના બરફથી ભરેલા દ્રશ્યોથી શણગારેલા જોવા મળે ત્યારે થાય કે ક્યારે વ્હાઇટ ક્રિસમસ જોવા મળશે?
જો કે, યુકેના મોટાભાગમાં ક્રિસમસ વખતે ક્યાંક તો બરફ પડવાની સંભાવના હોય છે. ટેક્નિકલ રીતે, 2022માં 9% સ્ટેશનો પર બરફ પડ્યો હોવાથી તેને યુકેનું છેલ્લી વ્હાઇટ ક્રિસમસ કહી શકાય. 2021 અને 2020 પણ 6% વેધર સ્ટેશનો પર બરફ પડ્યો હતો. 2018 કે 2019 માં યુકેના કોઈપણ સ્ટેશન પર બરફ પડવાનો કોઈ રેકોર્ડ નથી.
સાચા અર્થમાં તો યુકેમાં છેલ્લી વ્યાપક વ્હાઇટ ક્રિસમસ 2010 માં હતી. તે વખતે 83% સ્ટેશનોની જમીન પર અને 19% સ્ટેશનો પર બરફ અથવા ઝરમર સ્નો પડ્યો હતો. તો 2009માં 13% સ્ટેશનો પર અને 57% જમીન પર બરફ પડ્યો હતો.
યુકેમાં જાન્યુઆરીમાં 5.3 દિવસ, ફેબ્રુઆરીમાં 5.6 દિવસ અને માર્ચમાં 4.2 દિવસની સરખામણીમાં ડિસેમ્બરમાં સરેરાશ 3.9 દિવસ બરફ અથવા ઝાપટું પડતું હોય છે. યુકેમાં 1981, 1995, 2009 અને 2010માં માત્ર ચાર જ વખત જમીન પર બરફનું વ્યાપક આવરણ ક્રિસમસના દિવસે જોવા મળ્યું છે.
18મી અને 19મી સદીમાં વ્હાઇટ ક્રિસમસ વધુ અને વારંવાર જોવા મળતી. પરંતુ હવે આબોહવા પરિવર્તનને કારણે જમીન અને દરિયામાં સરેરાશ તાપમાન ઊંચું આવતા વ્હાઇટ ક્રિસમસની શક્યતા ઘટી ગઈ છે.
મેટ ઑફિસના મત મુજબ તા. 25 ડિસેમ્બરના રોજ 24 કલાકના સમયગાળામાં યુકેમાં ક્યાંય પણ સ્નોફ્લેક જોવા મળે તો તેને વ્હાઇટ ક્રિસમસ કહી શકાય. પહેલા આ માટે દેશમાં એક જ સ્થાન એટલે કે લંડનમાં મેટ ઓફિસ બિલ્ડિંગ પર સ્નો પડે તો વ્હાઇટ ક્રિસમસ કહેવાતું હતું. પરંતુ વ્હાઇટ ક્રિસમસ ક્યાં જોવા મળશે તેના પર સટ્ટાબાજીમાં વધારો થતાં, તે સ્થાનોની સંખ્યામાં વધારો કરી તેમાં બકિંગહામ પેલેસ, બેલફાસ્ટ (એલ્ડરગ્રોવ એરપોર્ટ), એબરડીન (પિટોડ્રી સ્ટેડિયમ, એબરડીન એફસી), એડિનબરા કાસલ, માન્ચેસ્ટરમાં કોરોનેશન સ્ટ્રીટ અને કાર્ડિફમાં મિલેનિયમ સ્ટેડિયમ જેવી સાઇટ્સનો સમાવેશ થઈ શકે છે.