નાગરિકતા મુદ્દે હિંસા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પક્ષ પર સ્પષ્ટ આક્ષેપ કરતા કહ્યું કે શા માટે જયાં કોંગ્રેસ સિવાયના વિપક્ષોનું શાસન છે ત્યાં હિંસા થઈ નહિં? શાહે નાગરિકતા મુદ્દે વિવાદ મુદે કહ્યું કે વિપક્ષો ખાસ કરીને કોંગ્રેસે સ્પષ્ટ કરવુ પડશે કે શા માટે ફકત ભાજપ શાસનનાં રાજયોમાં જ હિંસા થઈ!
શાહે એક મિડીયા સમીટમાં પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે નાગરિકતા મુદ્દે જે વિવાદ છે તે રાજકીય પ્રેરીત છે અને ખાસ કરીને કોંગ્રેસ પક્ષ તેના માટે દોષિત છે. જયાં વિપક્ષો સતા પર છે ત્યાં હિંસા થઈ ન હતી અને ફરી ભાજપ શાસનનાં રાજયોને જ નિશાન બનાવાયા. હિંસા એ પસંદગીનાં સ્થળોએ થઈ હતી દેશના લોકો માને છે કે આ હિંસાની પાછળ કોણ છે.
શાહે આ હિંસા સામે પોલીસ પગલાને યોગ્ય ગણાવતાં કહ્યું કે હિંસા થશે તો તે આચરનારા સામે પોલીસ પગલા લેવાશે. બસો સળગાવવામાં આવે ચે કોઈને નુકશાન પહોંચાડાશે તો પોલીસ શાંત બેસી રહેશે નહિં. શાહે કહ્યું કે પોલીસ અને વિપક્ષો પાસે કોઈ મુદ્દાઓ રહ્યા નથી. તેથી તેઓ પ્રજાના મનમાં આશંકા ઉભી કરવા માટે નાગરિકતા વિરોધી વાતાવરણ બતાવે છે.નાગરિકતા અંગે અમોએ અનેક વખત સ્પષ્ટ કહ્યું કે તે કોઈની નાગરિકતા છીનવવા માટે નહીં.
જે લોકો આ સમજતા નથી તે કોંગ્રેસની જાળમાં ફસાય જાય છે.તેઓએ ફરી સ્પષ્ટ કહ્યું કે નેશનલ રજીસ્ટ્રી ઓફ સીટીઝનશીપ હાલ રાષ્ટ્રવ્યાપી લાગુ કરવા કોઈ વિચારણા નથી.તેઓએ કહ્યુ કે રાહુલ અને પ્રિયંકા જુઠાણા ફેલાવી રહ્યા છે કે નાગરિકતાએ ગરીબો અને લઘુમતી વિરૂદ્ધ છે. હું ફરી સ્પષ્ટ કરૂ છું કે નાગરિકતા કાનુન એ કોઈ રીતે દેશનાં નાગરિકોને લાગુ પડતો નથી. તેઓએ નેશનલ પોપ્યુલેશન રજીસ્ટ્રીના વિરોધને પણ અસ્થાને કહેતા કહ્યું કે દેશના વિકાસ આયોજીત યોજનાઓ માટે આ જરૂરી છે.