વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં આ વખતે ભારત વિજેતા બને કે ઓસ્ટ્રેલિયા, એક નવો રેકોર્ડ થશે. આઈસીસીના નેજા હેઠળ રમાતી અને રમાઈ ગયેલી તમામ ક્રિકેટ સ્પર્ધાઓનો તાજ હજી સુધી બન્નેમાંથી એકપણ ટીમે ધારણ કર્યો નથી, તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સિવાયની તમામ સ્પર્ધાઓમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને ચેમ્પિયન રહી ચૂક્યા છે. આ સંજોગોમાં, બન્ને ટીમને આઈસીસીનો એક તાજ – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો તાજ ખુટે છે અને તેથી, ભારત ચેમ્પિયન બને તો એના ટ્રોફી શો કેસમાં ટેસ્ટ ચેમ્પિયનશિપ, વન-ડે ચેમ્પિયન્સ, ટી-20, અંડર 19 તેમજ ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ પણ હશે.
ઓસ્ટ્રેલિયા પણ ઉપરોક્ત તમામ સ્પર્ધાઓમાં વિજેતા રહી ચૂક્યું છે. બીજી સમાનતા હાલના તબક્કે એ છે કે બન્ને ટીમ્સ હાલમાં 11-11 આઈસીસી ટ્રોફી હાંસલ કરી ચૂકી છે. અને કોઈક સંજોગોમાં બન્ને ટીમ સંયુક્ત વિજેતા જાહેર થાય તો હવે પછી પણ આ સમાનતા જળવાઈ રહેશે.