સંજય દત્ત અભિનિત અને રાજકુમાર હિરાણી દિગ્દર્શિક મુન્નાભાઇ સીરિઝની બે ફિલ્મો સફળ થઇ હતી. ત્યારપછી દર્શકો તેની ત્રીજી સિક્વલ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. સંજય દત્ત અને રાજકુમાર હિરાણી બંને મુન્નાભાઈ 3 બનાવવા ઇચ્છે છે, પરંતુ તેના માટે યોગ્ય સ્ક્રિપ્ટ હજુ મળી નથી તેથી આ પ્રોજેક્ટ અટવાયેલો છે.
રાજકુમાર હિરાણીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, મુન્નાભાઈની ઘણી બધી સ્ક્રિપ્ટ તેમની અને સંજય દત્ત પાસે પડી છે. આ સ્ક્રિપ્ટ હજુ ફાઈનલ થઈ નથી. સંજય દત્ત સાથે પણ વારંવાર મુન્નાભાઈ 3 બનાવવા અંગે ચર્ચા થાય છે. ફિલ્મ બનાવવાની ઈચ્છા છે, પરંતુ માત્ર ઈચ્છા હોય અને અયોગ્ય ફિલ્મ બનાવી શકાય નહીં. મુન્નાભાઈ ટાઈટલ હેઠળ કોઈ પણ ફિલ્મ બનાવવામાં આવે અને દર્શકો તેને જોવા આવશે તે માન્યતા ખોટી છે.
રાજકુમાર હિરાણીનું માનવું છે કે, કોઈ જોરદાર આઈડિયા સાથેની સારી સ્ક્રિપ્ટ શોધવા તેઓ લાંબા સમયથી મથામણ કરી રહ્યા છે. ઘણાં સારા વિચારો આવે છે, પરંતુ સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ શકે તે સ્ટેજ સુધી વાત વધતી નથી. સંજય દત્ત અને રાજકુમાર હિરાણી સ્ક્રિપ્ટની રાહ જુએ છે, સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ જાય તો બંને સાથે ફિલ્મ કરવા ઉત્સુક છે.
મુન્નાભાઈ ચલે અમેરિકા અને શાહરુખ અભિનિત ડંકીની સ્ટોરીમાં સમાનતા અંગે વાત કરતાં તેમણે કહ્યં હતું કે, મુન્નાભાઈ ચલે અમેરિકામાં સર્કિટ અને મુન્ના અમેરિકા ગયા હતા. અમેરિકા ગયા પછી તેમને ચર્ચાની તકલીફ પડતી હોવાથી તેઓ અંગ્રેજી શીખ્યા હતા. તે સમયે અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશે મુસ્લિમ વિરોધી નિવેદનો આપ્યા હતા અને તેનાથી આ બંને એક્ટર્સ દુઃખી થયા હતા. એકંદરે ડંકીને સત્ય ઘટના પરથી બનાવાઈ હતી, જ્યારે મુન્નાભાઈ ચલે અમેરિકા કલ્પના આધારિત હતી. ઉલ્લેખનીય છે કે ડંકીનું દિગ્દર્શન રાજકુમાર હિરાણીએ કર્યું હતું.