ચીન સાથેની સરહદ પરની સ્થિતિ અંગે સંસદમાં ચર્ચાની મંજૂરી ન આપવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આક્ષેપ કરતા કોંગ્રેસે શનિવારે સવાલો કર્યા હતા કે વડાપ્રધાન આ મામલે રાષ્ટ્રને વિશ્વાસમાં કેમ નથી લઈ રહ્યા. રાષ્ટ્રમાં “ચીન પે ચર્ચા” ક્યારે થશે.
વડાપ્રધાન મોદીના ચૂંટણીપ્રચાર વખતના “ચાય પે ચર્ચા” પર કટાક્ષ કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું હતું કે “ડોકલામમાં ‘જામફેરી રિજ’ સુધી ચીની સૈનિકોની જમાવટ ભારતના વ્યૂહાત્મક ‘સિલીગુડી કોરિડોર’ને જોખમમાં મૂકે છે! આ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત ચિંતાનો વિષય છે! મોદીજી, રાષ્ટ્રમાં ક્યારે ચીન પે ચર્ચા થશે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે જણાવ્યું હતું કે વડા પ્રધાનની રાજકીય ફરજ અને નૈતિક જવાબદારી છે કે તેઓ કોંગ્રેસે પૂછેલા સાત પ્રશ્નો અંગે “મન કી બાત” કરે. પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે તેમની ભારત જોડો યાત્રા દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ત્યારે સરકાર ઊંઘી રહી છે.
જયરામ રમેશે વડા પ્રધાનને પૂછ્યું, “રાષ્ટ્ર જાણવા માંગે છે… તમે શા માટે આગ્રહ કરી રહ્યા છો કે સરહદની સ્થિતિ અને ચીન તરફથી આપણે જે પડકારોનો સામનો કરીએ છીએ તેના પર સંસદમાં કોઈ ચર્ચા ન થવી જોઈએ.” “તમે ચીનના ટોચના વડાને અભૂતપૂર્વ 18 વખત મળ્યા છો અને તાજેતરમાં બાલીમાં શી જિનપિંગ સાથે હાથ મિલાવ્યા હતા. ચીને તવાંગમાં થોડા સમય પછી ઘૂસણખોરી શરૂ કરી હતી અને સરહદની પરિસ્થિતિમાં એકપક્ષીય ફેરફાર કરવાનું ચાલુ રાખ્યું હતું. તમે રાષ્ટ્રને વિશ્વાસમાં કેમ નથી લઈ રહ્યા?”