ભારતમાં તીવ્ર ગરમીના કારણે સ્થાનિક ઉત્પાદન અગાઉની ધારણા કરતાં ઓછું થવાનું છે, ઊંચા ભાવના કારણે સરકારી ખરીદી ઘટી ગઈ છે ત્યારે સરકારે સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહે, વધે નહિ એવા ઉદ્દેશથી તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધની જાહેરાત કરી છે. જોકે, તા. 13 મે સુધી કોઈને ઓર્ડર મળ્યા હશે અને તેની સામે લેટર ઓફ ક્રેડિટ હશે તો તેની નિકાસ કરવા દેવામાં આવશે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે વિશ્વના ટોચના બે ઉત્પાદકોના ઘઉં ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ થયા હતા નહિ. આ સ્થિતિમાં ભારતના ઘઉંની માંગ વધી હતી અને ભારતે વિક્રમી માત્રામાં ઘઉંની નિકાસ કરી હતી. જોકે, નિકાસના કારણે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ વધી રહ્યા હતા એટલે સરકારે આ પગલું ભર્યું હોય એવી શક્યતા છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે 15 લાખ ટનની નિકાસ કરી છે અને જૂન સુધીમાં કુલ 45 લાખ ટન નિકાસ માટે સોદા થયા છે.
ભારતમાં અગાઉ 105 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ હતો પણ હવે 95 કરોડ ટન જ ઉત્પાદન થાય એવી જાહેરાત સરકારે કરી છે. સરકારે ગરીબ પરિવારને મફત ઘઉં આપવા માટે સ્કીમની મુદ્દત વધારી છે ત્યારે સ્ટોક ઘટી રહ્યો છે અને ઊંચા ભાવના કારણે બજારમાંથી ઘઉંની ખરીદી થઈ રહી નથી એટલે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત થઈ હોવાનું અનુમાન છે.