ભારત સરકાર હવે WhatsApp, Facebook, Google Duo અને Telegram જેવી કોલિંગ અને મેસેજિંગ એપ્સને ટેલિકોમ કાયદાના કાર્યક્ષેત્રમાં લાવવાની તૈયારીમાં છે. સરકાર દ્વારા આ અંગે બિલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનો ઉદેશ્ય 1885ના બ્રિટિશ સમયના ટેલિગ્રાફ એક્ટને બદલવાનો છે, જે અત્યાર સુધી દેશમાં ટેલકોમ્યુનિકેશનનું નિયમન કરતો મુખ્ય કાયદો રહ્યો છે. તેથી ઓવર ધ ટોપ (OTT) એટલે કે ઇન્ટરનેટની મદદથી કામ કરતી આવી સેવાઓ ટેલિકોમ કાયદાના કાર્યક્ષેત્રમાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે ડ્રાફ્ટ ટેલિકોમ્યુનિકેશન બિલ 2022માં આવા ઘણા પ્રસ્તાવ રજૂ કર્યા છે. આ ઈન્ટરનેટ આધારિત કોલિંગ અને મેસેજિંગ સેવાઓ ટેલિકોમ કાયદાના દાયરામાં આવ્યા પછી આ સેવાઓનો ઉપયોગ કરતા મોબાઈલ અને ઈન્ટરનેટના ગ્રાહકો પર તેની સીધી અસર થશે.

આ ડ્રાફ્ટ બિલ મુજબ, OTT સેવાઓને પણ હવે ટેલિકોમ સેવાઓનો એક ભાગ ગણવામાં આવશે. આ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ હવે તેના માટે લાઇસન્સ મેળવવું પડશે. જેની સીધી અસર મોબાઈલના ગ્રાહકો પર પડશે. ડ્રાફ્ટ બિલની જોગવાઇઓ પ્રમાણે, આ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ લાયસન્સ માટે ફી ભરવી પડશે, જો કંપની આ લાઇસન્સ સરન્ડર કરશે તો તેમને ફી પરત મળશે.

નવા ટેલિકમ્યુનિકેશન બિલ 2022ના ડ્રાફ્ટ મુજબ, ફેસબુક, વોટ્સએપ, ગૂગલ ડ્યૂઓ, ગૂગલ મીટ, ટેલિગ્રામ અને ઝૂમ જેવી સેવાઓ તેના દાયરામાં આવશે. આ ઉપરાંત બ્રોડકાસ્ટિંગ, ઈમેઈલ, વોઈસ, વીડિયો અને ડેટા કમ્યુનિકેશન સેવાઓ, વોઈસ મેઈલ, ફિક્સ અને મોબાઈલ સેવાઓ, ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાઓ, ઓડિયોટેક્સ સેવાઓ, વીડિયોટેક્સ સેવાઓ, ઉપગ્રહ આધારિત કમ્યુનિકેશન સર્વિસીઝ, વોકી-ટોકી, મશીનટુ મશીન સેવાઓ વગેરે તેના દાયરામાં આવશે. કહેવાય છે કે, આ બિલનો અમલ શરૂ થયા પછી વોટ્સએપ અથવા કોલિંગ સર્વિસ આપતી અન્ય કંપની તેના માટે વધારાનો ચાર્જ વસૂલવાનું શરૂ કરશે. કારણ કે કંપનીઓ ગ્રાહકો પાસેથી જ લાઇસન્સ ખરીદવા પાછળ ખર્ચેલા નાણા વસૂલશે.

LEAVE A REPLY