વોટ્સએપે ભારતના ઝડપથી વિકસતા જતાં ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં પ્રવેશ કરવાની શુક્રવારે જાહેરાત કરી હતી. માર્કેટમાં તે ગૂગલ અને અલિબાબા જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે સ્પર્ધા કરશે.
ફેસબુકની માલિકીની કંપનીએ જણાવ્યું હતું કે તેને ભારતના પેમેન્ટ નિયમનકારે વોટ્સએપ પે સર્વિસ લોન્ચ કરવાની મંજૂરી આપી છે. ભારતમાં વોટ્સએપના યુઝર્સની સંખ્યા આશરે 400 મિલિયન છે. વોટ્સએપ પે મારફત લોકો નાણા મેળવી શકશે અને મોકલી શકશે. બ્રાઝિલમાં વોટ્સએપ પે સર્વિસ જૂનમાં લોન્ચ કરવામાં આવી હતી. સેન્ટ્રલ બેન્કના વિરોધ બાદ બંધ કરવામાં આવી હતી.
ફેસબુકના વડા માર્ક ઝકરબર્ગે વિડિયો સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ભારતમાં લોન્ચિંગ સાથે પેમેન્ટ સેક્ટરમાં ઇનોવેશનને વેગ મળશે. ઝકરબર્ગે ભારતની યુનીફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સિસ્ટમના વખાણ કર્યાં હતાં. આલ્ફેબેટની ગૂગલ પે સર્વિસ પણ યુપીઆઇનો ઉપયોગ કરે છે. વોલમાર્ટની ફોન પે સર્વિસ અને અલિબાબાનું સમર્થન ધરાવતી પેટીએમ પણ યુપીઆઇનો ઉપયોગ કરે છે. ભારતનું ડિજિટલ પેમેન્ટ માર્કેટ 2019માં 75 બિલિયન ડોલરનું હતું અને તે 2025 સુધીમાં 500 બિલિયન ડોલરનું બને તેવો અંદાજ છે. વોટ્સએપે પાંચ બેન્કો સાથે જોડાણની યોજના બની છે. તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, HDFC બેન્ક, ICICI બેન્ક, એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે.