એક અભિનેતા તરીકે મનોજ બાજપાઇ બોલિવૂડમાં પોતાની એક અલગ જ છાપ ધરાવે છે. તેણે અનેક વર્ષો સુધી રંગભૂમિમાં કામ કર્યા પછી, બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. તેણે પોતાના અભિનયથી સહુને પ્રભાવિત કર્યા છે. મનોજ બાજપેયીએ નાટક વિશે કહ્યું હતું કે, નાટક હંમેશા લોકોને આનંદ આપતું રહ્યું છે અને મનોરંજન માટે વર્ષો જૂનું માધ્યમ છે. હું માનું છું કે, નાટકની પ્રગતિ અને પ્રસિદ્ધિને ટેલિવિઝન અને સિનેમાના કારણે અસર થઈ છે, પરંતુ તેના જાદુને કોઈપણ વ્યક્તિ મિટાવી શકતો નથી.
આ ઉપરાંત, મનોજે પોતાની નિવૃત્તિના આયોજન અને નેપોટિઝમ અંગે પોતાના વિચાર રજૂ કર્યા હતા. નિવૃત્તી અંગે મનોજે જણાવ્યું હતું કે, એક્ટિંગમાંથી રીટાયર્ડ થઈને મારી ઈચ્છા એક નાની ઇન્સ્ટિટયૂટ શરૂ કરવાની છે. જેમાં નાટ્યકળા અંગે સંપૂર્ણ તાલિમ મળી શકે. એક્ટિંગ વિશે જાણવા અને શીખવા ઇચ્છુક લોકોને એક સારું પ્લેટફોર્મ આપવા ઇચ્છું છું. હું પણ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગ ક્લાસ લઈશ.
જો ભવિષ્યમાં મારી પાસે નાણા હશે તો એક નાની એક્ટિંગ સ્કૂલ શરૂ કરીને નવા ટેલેન્ટેડ યુવાનોને ટ્રેઈન કરવાનું મારું સપનું છે. હું વિચારું છું કે, એક એવી જગ્યાનું નિર્માણ થાય જ્યાં ડ્રામાના વિવિધ પાસાઓ શીખવાડવામાં આવે અને લોકો આ માધ્યમથી કારકિર્દી બનાવી શકે. મનોજે ન્યૂ કમર્સને સલાહ આપતા કહ્યું હતું કે, જો ઈન્ડસ્ટ્રીમાં તમારી પાસે કોઈ ગોડફાધર નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે તમારા ક્રાફ્ટ પર વધારે કામ કરવાની જરૂર છે. નેપોટિઝમ તો છે અને રહેશે જ. તેના વિશે ચર્ચા કરીને કોઈ ફાયદો નથી. તમે જો તમારી અંદરના એક્ટર પર કામ કરશો તો તમારા કામની નોંધ લેવાશે અને તમને ઇન્ડસ્ટ્રીમાં કોઈ અવગણી નહીં શકે એટલે મહેનત કરતા રહો અને આગળ વધો.