યુવા અભિનેત્રી રકુલપ્રીત સિંહે મિસ ઈન્ડિયા અને મોડેલિંગમાં કારકિર્દી શરૂ કરી હતી. તેણે ફિલ્મોમાં 10 વર્ષ પૂર્ણ કર્યા છે. 2014માં રકુલની પ્રથમ ફિલ્મ યારીયાં રિલીઝ થઈ હતી. પછી તેણે બોલીવૂડ અને સાઉથમાં કરિયર આગળ વધારી હતી.
રકુલ માને છે કે, પરિવાર સાથે બેસીને જોઈ શકાય નહીં તેવી ફિલ્મો તેણે ક્યારેય કરી નથી અને આવી ફિલ્મોમાં કામ કરશે પણ નહીં. તેને કારકિર્દીમાં તમામ નિર્ણય પોતાની રીતે લીધાં છે અને તેના માટે કોઈ પસ્તાવો પણ નથી. અત્યારે અંગત જીવન જે તબક્કે છે, તેનાથી તેને પૂરો સંતોષ છે. પ્રથમ ફિલ્મ મળ્યા પછી મુખ્ય ભૂમિતા ક્યારે મળશે તેની ચિંતા રહેતી હોય છે, પરંતુ રકુલના કિસ્સામાં તેનો આત્મવિશ્વાસ આવ્યો ત્યારે નિર્માતા-દિગ્દર્શકોને પણ તે લીડ રોલ માટે યોગ્ય લાગી હતી.
ફિલ્મની પસંદગી અંગે રકુલ કહે છે કે, મારા પોતાના પરિવાર સાથે બેસીને ન જોઈ શકાય અને સાથે સિનેમા ન માણી શકાય તો તેવી ફિલ્મ કરવાની મારી ઈચ્છા નથી. જોકે, સ્ક્રિપ્ટ સારી હોય અને બે એક્ટર્સ વચ્ચે રોમાન્સ જરૂરી હોય તો તે અંગે વિચાર કરી શકાય. રકુલ અને જેકી ભગનાની માર્ચ મહિનામાં લગ્ન કરે તેવી શક્યતા છે.
રકુલે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ જેકીની સાથે રહેવાનું ખૂબ ગમતું હોવાનું સ્વીકાર્યું હતું. જેકી સાથે મુલાકાત દરમિયાન કામની વાત ક્યારેય થતી નથી. હેલ્થ, ફૂડ અને વર્કઆઉટની જ વાત થયા કરતી હોય છે. રકુલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે હું અને જેકી દિવસના 12 કલાક કામ કરીએ છીએ. તેથી એક કલાક સાથે હોઈએ ત્યારે કામ સિવાયની વાત કરવી જોઈએ.