બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી મલાઈકા અરોરાનું નામ હંમેશા મીડિયામાં ચર્ચાતું રહે છે. તે પોતાની ફિલ્મી કરિયર કરતાં પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે. હવે મલાઈકાએ લગ્નને બાબતે ચોંકાવનારી સ્પષ્ટતા કરી છે. મલાઈકા અત્યારે પોતાનાથી ઉંમરમાં નાના એવા એક્ટર અર્જુન કપૂર સાથેના ગાઢ સંબંધોના કારણે ચર્ચામાં રહે છે. તે બંને અવારનવાર સાથે જોવા મળતા હોય છે. હવે તેણે જણાવ્યું છે તે ફરી લગ્ન કરવા માટે વિચારી રહી છે, પરંતુ અત્યારે તે આ અંગે તમામ વાતો જાહેર કરવા ઇચ્છતી નથી.
અગાઉ મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના 18 વર્ષે બંને જણે છુટા પડવાનો નિર્ણય લીધો હતો. 2017માં મલાઈકા અને અરબાઝ અલગ થઈ ગયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી મલાઈકા અર્જુન કપૂર સાથે અનેકવાર જાહેરમાં દેખાઈ છે અને તેમના ચાહકો પણ બંનેને લગ્ન બાબતે સવાલ પૂછી રહ્યા છે.
બીજી તરફ તાજેતરમાં એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં મલાઈકાએ સ્પષ્ટતા કરી હતી કે, તે ફરીથી લગ્ન કરવાનું વિચારી રહી છે. પરંતુ અત્યારે તે અંગે વધારે વાત કરવા ઇચ્છતી નથી. જોકે, મલાઈકાએ તો એવું પણ કહ્યું હતું કે, હું લગ્ન વિશે વિચારી રહી છું. હું પ્રેમમાં માનું છું. પણ ફરી લગ્ન ક્યારે કરીશ એના વિશે ચોક્કસ માહિતી આપી શકું એમ નથી, કારણ કે હું કેટલીક બાબતોને સરપ્રાઈઝ રાખવા ઇચ્છું છું… અગાઉથી બધું જાહેર કરવાથી તેની મજા બગડી જાય છે.
વધુમાં તેણે એવું પણ ઉમેર્યું હતું કે જ્યારે હું ખૂબ નાની હતી, ત્યારે કોઈએ મને કહ્યું હતું કે સંબંધ એક છોડ જેવો હોય છે… તમે બીજ રોપશો અને તમારે તેને ઉગાડવા માટે પાણી આપવું પડશે… સંબંધ તેનાથી જરા પણ અલગ નથી. તમે રિલેશનશિપમાં શોર્ટકટ લઈ શકતા નથી. આમાં…એકબીજાને સમજવું અને એપ્રિશિયેટ કરવું એ કોઈપણ સંબંધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે…પણ આપણે ઘણી વખત આ મહત્ત્વની વાત જ ભૂલી જતાં હોઈએ છીએ.