કિંગ ચાર્લ્સ III બ્રિટનના નવા રાજા બનતા હવે ક્વીન્સના નામના બધા પ્રતિકો બદલાશે. ક્વીન એલિઝાબેથ દ્વીતિયના મૃત્યુ બાદ યુકેના ટોચના ૨,૪૦૦થી વધુ વકીલો તેમનું રોયલ ટાઇટલ – ક્વીન્સ કાઉન્સેલ ગુમાવશે જો કે તેઓ ફરીથી ‘કિંગ્સ કાઉન્સેલ’ બની શકે છે.
મહારાણીના ફોટોઝ બેન્ક નોટ્સ, સિકકા, પોસ્ટ બોક્સ, સ્ટેમ્પ્સ અને સરકારી સહીઓમાં હતા. જેના બદલે હવે કિંગ ચાર્લ્સના ફોટો આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં સાત વર્ષ લાગશે. રાષ્ટ્રગીતના શબ્દ પણ બદલાશે અને હવે ‘ગોડ સેવ અવર ગ્રેસિયસ કિંગ’ કહેવાશે.
કિંગ ચાર્લ્સે હવે પોતાનો આગવો પાસપોર્ટ રાખવો નહી પડે, ઉલ્ટાનું સમગ્ર યુકેના લોકોના પાસપોર્ટ તેમના નામે જારી કરાશે. હવે વિવિધ સરકારી કચેરીઓના નામ જે ‘હર મેજેસ્ટી…’થી શરી થતા હતા તે હવે ‘હિઝ મેજેસ્ટી….થી શરૂ થશે.