ગુજરાતી ભાષાની આધુનિક ફિલ્મો હવે લોકપ્રિય બની રહી છે. ગુજરાતી મૂળના ફિલ્મમેકર પાન નલિનની ફિલ્મ ‘છેલ્લો શો’ આંતરરાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર જીતીને વિદેશોમાં ગુજરાતનો ડંકો વગાળ્યો છે. તાજેતરમાં નવી દિલ્હીમાં 69મા નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. આ એવોર્ડમાં ચાર ગુજરાતી ફિલ્મોને પાંચ પુરસ્કાર મળ્યા છે. જોકે, આ ફિલ્મોના વિષય સામાન્ય ફિલ્મ કહાનીઓ કરતા ઘણા જુદા છે તેવું માનવામાં આવે છે.
‘છેલ્લો શો’ (2022)
‘છેલ્લો શો’ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. પ્રોડ્યુસર જુગાડ મોશન પિક્ચરના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ પાન નલિનના ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત છે. જેમાં ભાવિન રબારી બાળ કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. અદભુત વાર્તા અને ઉમદા અભિનયના કારણે આ ફિલ્મને બે એવોર્ડ મળ્યા છે. આ ફિલ્મને પુરસ્કાર રૂપે રજત કમલ અને એક લાખનું ઈનામ આપવામાં આવ્યું છે.
ભાવિન રબારીને પણ તેના અભિનય માટે શ્રેષ્ઠ બાળ કલાકાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. તેને પણ રજત કલમ અને રૂ. 50 હજારનું ઈનામ મળ્યું છે.
‘ગાંધી એન્ડ કંપની’ (2022)
વિશ્વભરમાં એવી માન્યતા છે કે, બાળકો તો તોફાની જ હોય. આ ફિલ્મમાં પણ એવા બે બાળકોની વાત છે. તેમના તોફાનોમાં અનોખા છે. તેમને સુધારવા માટે ગાંધીજીના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફિલ્મ એકદમ સરળ અને રમૂજ રીતે ગાંધીવાદી મૂલ્યોનું મહત્ત્વ સમજાવે છે. આ એક ફેમિલી ડ્રામા અને મનોરંજનથી ભરપૂર ફિલ્મ છે. ફિલ્મને સ્વર્ણ કલમની સાથે રૂ. 1.5 લાખનું ઈનામ મળ્યું છે.
‘દાળ ભાત’ (2019)
નેમિલ શાહની ફિલ્મ ‘દાળ ભાત’ને બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મને એવોર્ડ મળ્યો છે. કચ્છના રણમાં દસેક વર્ષ પછી વરસાદ પડ્યો. જે ગામની જમીનો સુક્કી ભઠ્ઠ થઈ ગઈ હતી ત્યાં ભીનાશ આવી અને ગામના તળાવમાં પાણી આવ્યું. તળાવમાં જોઈને 10 વર્ષના મુક્તિને તરવાનું મન થયું. પણ એ જરા અલગ પ્રકારનો બાળક હતો. બીજા બાળકો કરતાં તેના પર વધારે નિયંત્રણો હતા. પણ એ સમજવા જેટલી તેની ઉંમર ન હતી. તેના શરીરની રચના બીજા બાળકો કરતાં અલગ હતી. સમાજમાં જેની ખાસ ચર્ચા નથી થતી એ સમલૈંગિકતા જેવો વિષય આ ફિલ્મમાં આવરી લેવાયો છે. ‘દાળ-ભાત’ નામ પહેલી નજરે ભોજનનું લાગે પરંતુ હકીકતે જાતીયતાના મિશ્રણને રજૂ કરે છે. કચ્છની સુક્કી જમીન, સમૃદ્ધ સંસ્કૃતિ, સંગીત સૃષ્ટિ, ગ્રામીણ જીવન, વગેરે અનેક મુદ્દા આ નાની ફિલ્મમાં સુંદર રીતે આવરી લેવાયા છે. માટે જ આ ફિલ્મ એવોર્ડમાં છવાઈ ગઈ હતી.
‘પાંચીકા’ (2020)
થોડા એક સરખા દેખાતા નાના પથ્થર ભેગા કરીને તેનાથી રમાતી એક રમતને પાંચીકા કહેવામાં આવે છે. આજે તો આ શબ્દ અને રમત બંને ભુલાઈ ગયા છે. આવો શબ્દ ફિલ્મના નામ માટે પસંદ કર્યો તે હકીકતમાં તો ઘણી સારી બાબત છે. મીઠાના રણમાં રહેતા પરિવારની સાત વર્ષની મીરી ચાલીને દૂર પિતાને ટિફિન આપવા જાય છે. તેની પાસે પોતાના માપના ચંપલ પણ નથી. એટલે પરિવારની આર્થિક સ્થિતિ કેવી હશે એ સમજી શકાય એમ છે. આકરા તડકામાં, ગરમ પવન વચ્ચે સુક્કા વાતાવરણમાં ચાલતી મીરીને એક સથવારો સૂબા નામની બહેનપણીનો છે. પણ એ બહેનપણીની જ્ઞાતિ અલગ છે. ગામની અને ખાસ તો મીરીના પરિવારની માન્યતામાં એ જ્ઞાતિ અનુકૂળ નથી. માતાને ખબર પડી કે મીરી સૂબા સાથે રમે છે એટલે તેને ખખડાવી, ધોલ-ધપાટ પણ કરી… એટલી વાતે મિત્રતા પૂરી કરી દેવાની… કે પછી માતાથી છૂપાઈને બહેનપણીને મળતું રહેવાનું ? આવા ઘણા પ્રશ્નોના ઉત્તર આ ફિલ્મમાં સમજવા મળે છે.