ભારત ઘઉંની નિકાસ પરના પ્રતિબંધને ઉઠાવી લેવાની હાલમાં કોઇ યોજના ધરાવતું નથી, પરંતુ બીજા દેશોની સરકારો સાથેની સીધી ડીલ ચાલુ રાખવામાં આવશે, એમ વેપાર અને વાણિજ્ય પ્રધાન પીષૂય ગોયલે જણાવ્યું હતું.
વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતાં ભારતે 14મેએ ઘઉંનું ખાનગી પક્ષો દ્વારા વિદેશમાં વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાં કારમી હીટવેવથી ઘઉંના ઉત્પાદનને નેગેટિવ અસર થઈ હતી અને તેનાથી ઘરેલુ ભાવ વિક્રમજનક ઊંચા સ્તરે પહોંચ્યા હતા. આ પછી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતના આ નિર્ણય પછીથી વૈશ્વિક માર્કેટમાં ઘઉંના ભાવ ઉછળીને વિક્રમજનક ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
ભારત ખાનગી પક્ષો દ્વારા ઘઉંની નિકાસને ફરી ચાલુ કરવાની કોઇ યોજના ધરાવે છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં ગોયલે જણાવ્યું હતું કે હાલમાં વિશ્વભરમાં અસ્થિરતા છે, જો અમે નિકાસ પ્રતિબંધ ઉઠાવી લઉશું તો તેનાથી માત્ર બ્લેક માર્કેટીયર્સ, સંગ્રહખોરો અને સટોડિયાને મદદ મળશે. ભારતના નિર્ણયથી ખરેખર જરૂરિયાતમંદ અને ગરીબ દેશો છે તેમને મદદ મળશે નહીં. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બુધવારે એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે આનો કુશળ રસ્તો સરકારથી સરકાર મારફત સોદા કરવાનો છે. તેનાથી અમે ગરીબ દેશોને સસ્તા ભાવે ઘઉંનો સપ્લાય આપી શકીએ છીએ.
જી-7 સહિતના ઘણા દેશોએ ઘઉંની નિકાસ પરના પ્રતિબંધની નિર્ણયની ફેરવિચારણા કરવા ભારતને અનુરોધ કર્યો છે. અમેરિકાના કૃષિ પ્રધાન ટોમ વિલસેકે આ મહિને જણાવ્યું હતું કે તેઓ આ પ્રતિબંધથી ઘણા જ ચિંતિત છે. ગોયલે જણાવ્યું હતું કે તેઓ ભારતના પ્રતિબંધ પાછળનો તર્ક સમજાવવા માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુટીઓ) અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના સંપર્કમાં છે.