ઓપનર બ્લેકવૂડે તેને મળેલા ત્રણ જીવતદાનનો ભરપૂર લાભ ઉઠાવતા ફટકારેલા 95 રનને સહારે વિન્ડિઝે ઈંગ્લેન્ડ સામે કોરોના મહામારી વચ્ચે ‘બાયો-સિક્યોર’ વાતાવરણમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ચાર વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો. જીતવા માટેના 200 ના ટાર્ગેટની સામે વિન્ડિઝ એક તબક્કે 27/3 પર ફસડાયું હતુ, જોકે તેમણે લડત આપતાં આખરે 64.2 ઓવરમાં છ વિકેટે 200 રન કરતાં શ્રેણીમાં 1.0 થી સરસાઈ મેળવી હતી અને આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ખાતું ખોલાવ્યું હતુ.
રૃટની ગેરહાજરીમાં કેપ્ટન્સી કરી રહેલા સ્ટોક્સ માટે નિરાશાજનક શરૃઆત કરી રહી. આમ છતાં તેણે ટોસ જીતીને બેટીંગ કરવાનો અને બ્રોડને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવાનો પોતાનો નિર્ણય યોગ્ય જ ગણાવ્યો હતો. વિન્ડિઝ તરફથી ચેઝે 37, ડોવરિચે 20 રન કર્યા હતા. જ્યારે રિટાયર્ડ હર્ટ થયા બાદ પરત ફરેલા કેમ્પબેલ (8*) અને હોલ્ડર (36 બોલમાં 14*)ની જોડીએ અણનમ 11 રન જોડતાં ટીમને જીત અપાવી હતી.
આર્ચરે ત્રણ અને સ્ટોક્સે બે વિકેટ મેળવી હતી. અગાઉ ઈંગ્લેન્ડના 204 સામે વિન્ડિઝે 318 રન કર્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 313માં સમેટાતા વિન્ડિઝને 200નો ટાર્ગેટ મળ્યો હતો. વિન્ડિઝના ગેબ્રિયલને બીજી ઈનિંગમાં પાંચ અને મેચમાં કુલ 9 વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. શ્રેણીની બીજી ટેસ્ટ તારીખ 16 મી જુલાઈથી માંચેસ્ટરમાં બંધ સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના જ શરૃ થશે. ઈંગ્લેન્ડના કેપ્ટન રૃટનું પુનરાગમન થાય તેવી શક્યતા છે.