પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી. (ANI Photo)
ગયા મહિને કોલકાતાની આર જી કર મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરના રેપના મામલે ચોતરફથી ઘેરાયેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્યના વિધાનસભામાં રેપ અને જાતિય ગુના સામે ફાંસી સહિતની જોગવાઈ કરતા એક બિલને મંજૂર કરાવ્યું હતું. આની સાથે આવા ગંભીર ગુનાઓને માટે કેન્દ્રીય કાયદાઓમાં સુધારો કરનાર પશ્ચિમ બંગાળ પ્રથમ રાજ્ય બન્યું હતું.
રાજ્યનું બળાત્કાર વિરોધી બિલમાં જો પીડિતા મોત થાય અથવા તો કોમામાં જતી રહે તો બળાત્કારના દોષિતો માટે મૃત્યુદંડની જોગવાઈ કરે છે. જાતિય હુમલાના અન્ય ગુનેગારો માટે પેરોલ વિના આજીવન કેદની જોગવાઈ પણ છે.
અપરાજિતા વુમન એન્ડ ચાઈલ્ડ બિલ (વેસ્ટ બંગાળ ક્રિમિનલ લોઝ એન્ડ એમેન્ડમેન્ટ) બિલ, 2024 નામના આ બિલમાં કેન્દ્રના નવા પસાર થયેલા ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ના કાયદાઓ અને POCSO એક્ટ 2012માં સુધારો કરવાની જોગવાઈ છે.
વિધાનસભામાં બિલ પર ચર્ચા દરમિયાન બોલતા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મહિલાઓની સુરક્ષા માટે અસરકારક કાયદાનો અમલ ન કરવા કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યોના મુખ્યપ્રધાનોના રાજીનામાની માંગ કરી હતી. બેનર્જીએ તાજેતરમાં પીએમ મોદીને આ સંદર્ભે લખેલા બે પત્રો પણ રજૂ કર્યા હતાં અને જણાવ્યું હતું કે બળાત્કાર એ માનવતા સામેનો અભિશાપ છે અને આવા ગુનાઓને રોકવા માટે સામાજિક સુધારા જરૂરી છે.
બિલની રજૂઆત અને બહાલી માટે સરકાર વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. ભાજપ સહિતના વિપક્ષના સમર્થન સાથે આ બિલને ગૃહમાં બહાલી મળી હતી.

LEAVE A REPLY