અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતની સંખ્યામાં ચિંતાજનક વધારા વચ્ચે કોમ્યુનિટી સંગઠન TEAM Aidના સ્થાપક મોહન નન્નાપાનેની જણાવ્યું હતું કે તેમનું સંગઠન એક દિવસમાં ઓછામાં ઓછી એક આવી દુ:ખદ ઘટનામાં મદદ કરી રહ્યું છે. ભારતથી આવતા લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાની જરૂર છે.
તેમણે બુધવારે પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું અતિશયોક્તિ કરી રહ્યો નથી. પરંતુ અમે સમગ્ર દેશમાં અને મોટાભાગે યુવા વિદ્યાર્થીઓ અથવા H-1B કર્મચારીઓમાં ઓછામાં ઓછા એક મૃત્યુનો સામનો કરીએ છીએ.
TEAM Aid એક સંગઠન છે, જેનો પ્રાથમિક હેતુ એવા ભારતીય સમુદાયના સભ્યોને મદદ કરવાનું છે, કે જેઓ વિદેશમાં રહે છે અથવા મુસાફરી કરે છે તથા એક્સિડન્ટ, આપઘાત, આકસ્મિક મોત જેવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ટીમ એડમાં લગભગ 3000 જેટલા વોલિએન્ટર્સ છે, જે ભારતીય દૂતાવાસ અને કોન્સ્યુલેટ તથા બીજા સંગઠનો સાથે મળીને કામ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે તે ખૂબ જ દુ:ખદ છે કે તાજેતરમાં ભારતના ઘણા વિદ્યાર્થીઓ “મુશ્કેલીમાં ફસાઈ રહ્યા છે” અને કમનસીબે કેટલાક મૃત્યુ પામ્યા છે.પરંતુ આ માત્ર તાજેતરનું નથી. જો તમે ઇતિહાસ પર નજર નાખો, તો તે ઘણા વર્ષોથી થઈ રહ્યું છે અને હું સમુદાયને 2001થી સક્રિયપણે મદદમાં સામેલ છું. કાર અકસ્માત અને ડૂબવાને કારણે ભારતીય વિદ્યાર્થીઓના દુ:ખદ મૃત્યુ થયાના કિસ્સાઓ છે. સમગ્ર યુ.એસ.માં માદક દ્રવ્યોનો દુરુપયોગ વધી રહ્યો છે અને કમનસીબે, ભારતીય વિદ્યાર્થીઓ માદક દ્રવ્યોના દુરૂપયોગ અને ઓવરડોઝને કારણે મૃત્યુ પામ્યા હોવાના કિસ્સાઓ નોંધાયા છે.
તેમણે કહ્યુ હતુ કે, અમારુ સંગઠન મૃત્યુ પામેલા ભારતીયોના મૃતદેહ ભારત પાછા મોકલવાના, અમેરિકામાં જ અંતિમ સંસ્કાર કરવાના કે પછી હોસ્પિટલોમાં મદદ કરવાનુ કામ કરે છે.છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકામાં થયેલા મોતે ચિંતાનુ વાતાવરણ સર્જયુ છે.
મોહન નન્નાપનેનીએ કહ્યુ હતુ કે, સંતાનોને વિદેશ મોકલવા માટે માતા પિતા ઘણો ખર્ચો કરતા હોય છે અને જો આવા વિદ્યાર્થીઓને નોકરી ના મળે તો તેઓ તણાવમાં આવી જતા હોય છે અને તેમાંના કેટલાક આત્મહત્યા પણ કરતા હોય છે.