લંડનમાં રવિવાર તા. 25ના રોજ વેમ્બલીના સનાતન મંદિર સામે દેખાવો કરવાના કટ્ટરવાદીઓના પ્રયાસોને મંદિરના ચેરમેન શ્રી નરેન્દ્રભાઇ ઠકરાર, સ્થાનિક મસ્જિદના મૌલવીઓ લંડનના બ્રેન્ટ નોર્થના સ્થાનિક લેબર એમપી બેરી ગાર્ડીનર અને પોલીસના સહિયારા પ્રયાસોને કારણે નિષ્ફળતા મળી હતી અને એક પણ વ્યક્તિ મંદિર સામે વિરોધ કરવા હાજર થયો ન હતો.
સનાતન મંદિર, વેમ્બલીના ચેરમેન શ્રી નરેન્દ્રભાઇ ઠકરારે ‘ગરવી ગુજરાત’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘’કન્ટીન્જન્સી પ્લાન અંતર્ગત તા. 25ના રોજ સવારના 7થી સાંજના 7 સુધી 30 પોલીસ અધિકારીઓ મંદિરના દરવાજા પર હાજર રહ્યા હતા. જે પણ હિન્દુ ભક્તો મંદિરના દર્શન કરવા આવવા માંગતા હતા તે તમામ લોકોએ દર્શન અને આરતી વગેરેનો લાભ લીધો હતો. પરંતુ પોલીસે ખૂબ જ સુંદર કામગીરી કરી હતી અને મંદિરના ટ્રસ્ટી અને ચેરમેન તરીકે અમે બધી જ જવાબદારી પોલીસ પર છોડી હતી. જેને કારણે આખો દિવસ કોઇ પણ પ્રકારના વિવાદ વગર શાંતિથી પસાર થઇ ગયો હતો.‘’
શ્રી ઠકરારે જણાવ્યું હતું કે ‘’લેસ્ટરના મંદિરો પરના હુમલા અને ધ્વજ બાળવાના કે નુકશાન પહોંચાડવાના બનાવોને પગલે પોલીસ સાથે પહેલેથી જ સ્પષ્ટતા કરાઇ હતી કે પોલીસે આવા તત્વો સામે કડક હાથે કામ લેવું પડશે. મંદિર તરફથી એક ચેરમેન તરીકે અમે નિવેદન બહાર પાડ્યું હતું અને પોલીસના સહકારથી શાંતિ માટેનો વિડીયો સંદેશો પણ જાહેર કર્યો હતો. જેમાં સ્થાનિક ઇલીંગ રોડ મસ્જિદના મૌલવી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે મારા શાંતિ સંદેશનું અનુમોદન કર્યું હતું.’’
નરેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે ‘’મંદિરો પર કરાયેલા હુમલાના બનાવોને પગલે મને કેટલાક લોકો અને ખાસ કરીને રોષે ભરાયેલા યુવાનો તરફથી મંદિરની સુરક્ષા માટે મદદની ઓફર કરાઇ હતી. પરંતુ અમે સૌને માત્ર દર્શન કરવા આવવા અનુરોધ કરી કોઇ જ પ્રકારના વિવાદમાં ન પડવા અપીલ કરી હતી જે ખરેખર ઉપયોગી થઇ પડી હતી.’’
બ્રેન્ટ નોર્થના લેબર એમપી, બેરી ગાર્ડિનર સનાતન મંદિર સામે દેખાવો કરવાની જાહેરાત થતાં જ કામે લાગી ગયા હતા અને તુરંત જ ટ્વીટ કરી હતી કે ‘’મંદિર સામે પ્રદર્શનનું આયોજન કરવાની ઉશ્કેરણીજનક પોસ્ટ ધાર્મિક દ્વેષ અને ઉશ્કેરાટ ફેલાવે તેવી હતી અને તે એક અપરાધ છે જેના કારણે જેલની સજા થઈ શકે છે.’’ આ ઉપરાંત તેમણે મંદિર સામે વિરોધ કરનારા લોકોના પ્રયાસો વ્યર્થ જાય અને સ્થાનિક રહેવાસીઓ, ભક્તો અને મંદિરની સુરક્ષા માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા બરો કમાન્ડર ઑફ પોલીસ અને કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ્સનો સંપર્ક કરી તંત્રને સાબદુ કર્યું હતું. જેને કારણે કોઇ નુચ્છનીય બનાવ બન્યો ન હતો.
આ અગાઉ નરેન્દ્રભાઇ ઠકરારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’અધ્યક્ષ તરીકે હું અમારા મંદિરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમારા સ્થાનિક સંસદ સભ્ય બેરી ગાર્ડિનર અને મેટ્રોપોલિટન પોલીસ સાથે સતત ચર્ચામાં છું અને મંદિરની સુરક્ષા માટે પોલીસને જવાબદારી સોંપવી યોગ્ય છે. મને સ્થાનિક મુસ્લિમ નેતાઓ સાથે મળીને આનંદ થયો છે જેઓ સંમત છે કે આવા પ્રદર્શન અને દ્વેષને અહીં કોઈ સ્થાન નથી. આપણે વિશ્વને બતાવવું જોઈએ કે હિન્દુઓ કાયદાનું પાલન કરે છે, શાંતિ પ્રેમી છે અને આપણી પોતાની ઓળખમાં સુરક્ષિત છે. આપણે કોણ છીએ તે દર્શાવવા માટે પ્રદર્શનો કરવાની હિંસાનો આશરો લેવાની જરૂર નથી.’’