યુકેની સરકારે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લગ્નની કાનૂની વય મર્યાદા 18 વર્ષની કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને આ માટે કાયદો લાવનાર છે. આ પહેલને વિવિધ સમાજસેવી સંસ્થાઓએ આવકારી છે. હાલમાં, માતાપિતાની સંમતિ સાથે 16 અને 17 વર્ષના બાળકો લગ્ન કરી શકે છે.
મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસે આ હેતુ માટે લડાઇ કરતી સંસ્થાઓને પત્ર મોકલી જણાવ્યું છે કે પાર્લામેન્ટમાં તક ઉભી થતાંની સાથે જ તે લગ્ન માટે ઓછામાં ઓછી કાનૂની વય મર્યાદા વધારીને 18ની કરવા પ્રતિબદ્ધ છે. પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદે ટાઇમ્સને કહ્યું હતું કે તેઓ આવતા સપ્તાહે પ્રાઇવેટ મેમ્બર બિલ લાવી 18 વર્ષથી ઓછી ઉંમરના લગ્નને ગેરકાયદેસર બનાવશે.
મે મહિનામાં, ગઠબંધન ‘ગર્લ્સ નોટ બ્રાઇડ્સ’ યુકેના ચાર સહ-અધ્યક્ષોએ વડા પ્રધાન જૉન્સનને પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે બળજબરીથી કરાતા લગ્ન અંગેનો વર્તમાન કાયદો યુવાનોની સુરક્ષા માટે પૂરતો નથી. કન્ઝર્વેટિવ સાંસદ પૌલિન લેથામે તાજેતરમાં જ આ મુદ્દે ચર્ચા કરવા જસ્ટીસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડ સહિતના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી.