ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પર વાવાઝોડા બિપરજોય 15 જૂને ત્રાટકવાની શક્યતા હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થિતિની સમીક્ષા કરી હતી. નરેન્દ્ર મોદીએ અધિકારીઓને સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોનું સુરક્ષિત સ્થળાંતર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. પીએમએ પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર તેમજ ગુજરાત સરકારની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ અમદાવાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોઈ જાનહાનિ ન થાય તે માટે સતત કામ કરી રહી છે.
વડાપ્રધાન મોદીએ ગુજરાતની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ ફોન પર વાતચીત કરી હતી અને પૂર્વતૈયારીની વિગતોની જાણીકારી મેળવી હતી. મોદીએ રાજ્યને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
કેન્દ્રએ રાજ્ય સરકારને ઓનશોર અને ઓફશોર પ્રવૃત્તિઓનું નિયમન કરવા તથા કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી સહિતના સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા માટે આદેશ આપ્યો છે.