ચીનના જાસૂસ બલૂનના વિવાદ વચ્ચે અમેરિકી પ્રેસિડન્ટ જો બાઇડેને બુધવારે બીજી વખત સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધન કરતા કહ્યું હતું કે જો ચીન તરફથી કોઈ ખતરો ઊભો થશે તો અમેરિકા પોતાની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે. જાસૂસી બલૂન વિવાદ પર બાઇડેને કહ્યું હતું કે હું અમેરિકા અને વિશ્વના હિત માટે ચીન સાથે કામ કરવા તૈયાર છું પરંતુ જો તે અમને નુકસાન પહોંચાડશે તો અમે ચોક્કસપણે અમારી સુરક્ષા કરીશું.
બાઇડને જણાવ્યું હતું કે મેં સત્તા સંભાળી તે પહેલા ચીન પોતાની તાકાત વધારી રહ્યું હતું અને અમેરિકા પાછળ રહી જતું હતું પરંતુ હવે એવું નથી. મેં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે અમે સંઘર્ષ નહીં પરંતુ સ્પર્ધા ઈચ્છીએ છીએ. અમે અમેરિકાને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. તે જ સમયે, અમે અમારી અદ્યતન તકનીકને સુરક્ષિત કરવા માટે ભાગીદાર દેશો સાથે કામ કરી રહ્યા છીએ જેથી અન્ય કોઈ તેનો ગેરલાભ લઈ શકે નહીં. અમે ચીન કે વિશ્વના કોઈપણ દેશ સાથે સ્પર્ધા કરવા માટે સૌથી મજબૂત સ્થિતિમાં છીએ.
અમેરિકી ઇન્ટેલિજન્સ અધિકારીઓનું માનવું છે કે તાજેતરમાં પકડી પડાયેલો ચીનનું જાસૂસી બલૂન ચીની સૈન્યના સર્વેલન્સ કાર્યક્રમનો એક ભાગ છે. આ મિશનમાં કેટલા જાસૂસી બલૂન સામેલ છે તેની હાલમાં અમેરિકા પાસે કોઈ માહિતી નથી, પરંતુ તેણે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં 5 ખંડોમાં ઓછામાં ઓછા 2 ડઝનથી વધુ મિશન ચલાવવામાં આવ્યા છે.