ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે છત્તીસગઢમાં એક જાહેરસભા સંબોધતાં જણાવ્યું હતું કે ભારતે ક્યારેય બીજા કોઇ દેશની એક ઇંચ પણ જમીન હડપ કરી નથી કે બીજા કોઇ દેશ પર હુમલો કર્યો નથી, પરંતુ આપણો દ્રઢ નિર્ધાર છે કે હમ કિસી કો છેડેંગે નહીં, પર હમે કોઇ છેંડેગા તો હમ છોડેંગે નહીં.
ભરતપુરમાં ચૂંટણીસભા સંબોધતાં સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. ભારતનું અર્થતંત્ર હાલમાં વિશ્વમાં પાંચમાં ક્રમે છે, જે આગામી ત્રણ વર્ષમાં અમેરિકા અને ચીન પછી ત્રીજા ક્રમે સૌથી મોટું અર્થતંત્ર બનશે. ભારત હવે નબળું રાષ્ટ્ર રહ્યું નથી. પરંતુ તે એક શક્તિશાળી દેશ છે. પાંચ-છ વર્ષ પહેલાં આતંકવાદીઓ આપણી સરહદોમાં ઘૂસી ગયાં હતાં અને કાયરતાપૂર્ણ હુમલો કરીને આપણા બહાદુર જવાનોને શહીદ કર્યા હતાં. PMએ બેઠક બોલાવી અને 10 મિનિટમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ હુમલાનો બદલો લેવા માટે ભારતે સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી.
તેમણે કૌભાંડ અને ધર્મપરિવર્તનના મુદ્દે રાજ્યની કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી.રાજનાથે જણાવ્યું હતું કે આગામી ત્રણથી ચાર વર્ષમાં નક્સલવાદનો ખતરો ખતમ થઈ જશે અને જો ભારતીય જનતા પાર્ટી છત્તીસગઢમાં સત્તા પર આવશે તો બળજબરીથી થતાં ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મુકશે. છત્તીસગઢમાં બીજા તબક્કામાં 17 નવેમ્બરે મતદાન થશે.