અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં શનિવારની રાત્રે અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. હુમલાખોર એક વાહનોમાંથી બહાર આવ્યો હતો અને લોકોના ટોળા પર ધડાધડ ગોળીઓ વરસાવી હતી.
વોશિંગ્ટનના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે શનિવારની રાત્રે સ્થાનિક સમય મુજબ સાંજે 7.30 કલાકે લોંગફેલો સ્ટ્રીટના 600 બ્લોક નજીક અંધાધૂંધ ગોળીબાર થયો હતો.
હુમલાખોરે છ વ્યક્તિઓ પર ગોળી વરસાવી હતી. તેમાંથી ત્રણને હોસ્પિટલે મૃત જાહેર કર્યા હતા. બીજા ત્રણને સામાન્ય ઇજા થઈ હતી અને તેમની સારવાર ચાલુ હતી.
વોશિંગ્ટનના પોલીસ વડા રોબર્ટ કોન્ટીએ જણાવ્યું હતું કે હુમલાખોરે શા માટે હુમલો કર્યો તે અંગે હજુ કોઇ માહિતી મળી નથી. હુમલાખોરની તપાસ ચાલુ છે અને પોલીસે તેની માહિતી આપનાર વ્યક્તિને 75,000 ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.