રશિયાએ યુદ્ધ પૂરું કરવા માટે નવ મેની તારીખ નક્કી કરી છે તેવો યુક્રેનના લશ્કરી દળોએ દાવો કર્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે આશરે એક મહિનાથી યુદ્ધ ચાલુ છે. યુક્રેનમાં ચારેતરફ તબાહી સર્જાઈ છે. રશિયાના હુમલાથી યુક્રેનને મોટું નુકસાન થયું છે, પરંતુ યુક્રેન હાર માનવા તૈયાર નથી. બીજી તરફ રશિયાના સૈનિકો રાજધાની કીવ પર કબજો કરવામાં નિષ્ફળ રહ્યાં છે. આ સ્થિતિમાં રશિયાએ તેના સૈનિકોને કહ્યું છે કે તેઓ નવ મે સુધી યુક્રેન પર વિજય હાંસલ કરી લેશે. આ દાવો યુક્રેનના લશ્કરી દળોના જનરલ સ્ટાફના એક સભ્યે કર્યો છે. રશિયાના સૈનિકો વચ્ચે એવી ચર્ચા ચાલે છે કે નવ મે સુધી યુદ્ધ પૂરું કરવાનું છે.
રશિયાએ યુદ્ધ પૂરૂં કરવા માટે નવ મેની તારીખ નક્કી કરી છે, તેનું કારણ એ છે કે રશિયા આ તારીખે બીજુ વિશ્વ યુદ્ધ પૂરું થયું હોવાનો અને નાઝીઓ પર રશિયાનો વિજય થયો હોવાનો દાવો કરે છે. રશિયા આ દિવસે મોટાપાયે વિજયની ઉજવણી પણ કરે છે. 9મેએ રશિયામાં જાહેર રજા હોય છે.રાજધાની મોસ્કોમાં નવ મેએ એક મોટું પરેડનું આયોજન કરવામાં આવે છે.