REUTERS/Mike Segar

ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે 23 જાન્યુઆરીએ મહત્ત્વની ન્યૂ હેમ્પશાયર પ્રાઇમરીમાં વિજયી મેળવ્યો હતો. તેનાથી હવે તેઓ રિપબ્લિકન પાર્ટી તરફથી પ્રેસિડન્ટના ઉમેદવાર બને તેવી પ્રબળ સંભાવના છે. આનાથી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ટ્રમ્પ અને બાઇડન વચ્ચે ફરી જંગ થશે.

ન્યૂ હેમ્પશાયર પ્રાઇમરીમાં લગભગ 80 ટકા મતોની ગણતરી થઈ ત્યારે ટ્રમ્પની જીતનું માર્જિન લગભગ 11 ટકા હતું, જોકે તેમની એકમાત્ર બાકી રહેલી ચેલેન્જર ભારતીય મૂળની નિક્કી હેલીએ લડત ચાલુ રાખવાનો હુંકાર કર્યો હતો.

77 વર્ષીય ટ્રમ્પે વિજયી ભાષણમાં હેલી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે પ્રાથમિક હરીફાઈ તેમના ગૃહ રાજ્ય દક્ષિણ કેરોલિનામાં પહોંચશે, ત્યારે “અમે સરળતાથી જીતી જઈશું.” ટ્રમ્પનું સંબોધન તેમના ઈમિગ્રેશન અંગેની તેમની ટ્રેડમાર્ક ગણાવતી વોર્નિંગથી ભરેલું હતું.

હેલીએ તેમના ભાષણમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ રેસ હજુ પૂરી થઈ નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ડેમોક્રેટ્સ ખરેખર ટ્રમ્પ સામે લડવા માંગે છે, કારણ કે ટ્રમ્પ અરાજકતા ફેલાવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. ડેમોક્રેટ્સ જાણે છે કે ટ્રમ્પ દેશમાં એકમાત્ર એવા રિપબ્લિકન છે કે જેમને જો બાઇડન સરળતાથી હરાવી શકે છે. બીજી તરફ બાઇડને પણ જણાવ્યું હતું કે “તે હવે સ્પષ્ટ થયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન નોમિની હશે.”

ટ્રમ્પે ગયા અઠવાડિયે આયોવામાં પ્રાયમરીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. તેમાં હેલી ત્રીજા સ્થાને રહી હતી. આયોવામાં ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ બીજા સ્થાને આવ્યા પછી રેસમાંથી ખસી ગયા હતા. શરૂઆતમાં ઉમેદવાર બનવા માટે કુલ 14 ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ રવિવાર સુધીમાં માત્ર બે ઉમેદવારો મેદાનમાં રહ્યાં હતા.

LEAVE A REPLY