‘સિક્રેટ્સ ટૂ હેપીનેસ – હિમાલયન વિઝડમ ફોર મીનીંગફૂલ એન્ડ જોયફૂલ લાઇફ’ વિષે પ્રવચન યોજાયું
હિન્દુ એનસાયક્લોપીડીયા અને ઉત્તર ભારતના ઋષીકેશમાં થતી વિશ્વ પ્રસિધ્ધ ગંગા આરતીના પ્રણેતા તથા પરમાર્થ નિકેતનના સ્થાપક તથા વડા પરમ પૂજ્ય સ્વામિ ચિદાનંદ સરસ્વતિજીના 70મા જન્મ દિન અને પરમ પૂજ્ય સાધ્વીજી ભગવતી સરસ્વતિજીના 50મા જન્મ દિન પ્રસંગે ‘સિક્રેટ્સ ટૂ હેપીનેસ – હિમાલયન વિઝડમ ફોર મીનીંગફૂલ એન્ડ જોયફૂલ લાઇફ’ વિષે એક પ્રવચનનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્ટેનમોર ખાતે તા. 20ના રોજ સાંજે કરવામાં આવ્યું હતું. જેમાં 700 કરતા વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પરમાર્થ નિકેતન ખાતે વોકેશનલ ટ્રેઇનીંગ કોર્સ અને નિ:શુલ્ક શાળાઓ ચલાવતી સંસ્થા ડિવાઇન શક્તિ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ.પૂ. સાધ્વી ભગવતી સરસ્વતિજીએ પોતાના સુમઘુર અવાજમાં પ્રાર્થના કરતાં જણાવ્યું હતું કે ‘’કોવિડ રોગચાળા અને લાંબા વિરામ બાદ ભક્તોને મળતા ખૂબ જ આનંદ અને ખુશીના લાગણી અનુભવી રહી છું. ખુશ રહેવું એ તે આપણો જન્મસિધ્ધ અધિકાર છે. બાળકો તે ખુશીનું ઉત્તમ ઉદાહરણ છે. બાળકને ખુશ થવા ખાવા, પીવા અને ચોખ્ખી નેપી સિવાય કશું જ જોઇતું નથી. પરંતુ આપણે ધન, દોલત અને બીજું ઘણું મેળવવા જીવનભર પ્રયાસ કરીએ છીએ. સતત આપણી જાતને બીજા સાથે સરખાવીને પોતાની જાતની ટીકા કરીએ છીએ. આપણામાં રહેલું અભિમાન આપણી ખુશી છીનવી લે છે. દરેકને આશા રહે છે કે કાશ મારી પાસે આ વસ્તુ હોત તો. આપણે બધા જ તણાવગ્રસ્ત રહીએ છીએ. હું 25 વર્ષની થઇ ત્યાં સુધીનું મારૂ જીવન કેલિફોર્નીયામાં બધુ મેનેજ કરવામાં ગયું હતું. પરંતુ જ્યારે હું મારા પીએચડીના અભ્યાસમાંથી બ્રેક લઇને ભારત ગઇ ત્યારે મને જો જોઇતું હતું તેનો અનુભવ થયો હતો.’’
પૂ. સાધ્વી ભગવતીજીએ જણાવ્યું હતું કે ‘’પ. પૂ. મુનિજી હંમેશા કહેતા કે આપણે કશું જ સાથે લઇને જવાના નથી. કોઇનું પણ માન-પાન, અભિમાન, લાલચ કે ધન દોલત કાયમ માટે રહેવાના નથી. આપણે જ્યારે વિચલીત હોઇએ ત્યારે ધ્યાન આપી શકતા નથી. હાલની આપણી કામની પધ્ધતિ આપણને ખરાબ બનાવે છે. સ્વામીજી કહે છે કે મનની શાંતિ માટે જેમને પણ મળો તેમને ખૂબ જ ખુલ્લા દિલે મળો. જો તમારૂ હ્રદય જ બંધ હોય તો તમે પ્રેમ મેળવી ન શકો. ઘણી વખત આપણે અજાણ્યા પર ભરોસો મૂકીએ છીએ તો પછી આપણી આસપાસના સૌ કોઇ પર ભરોસો મૂકી શા માટે આનંદ ન મેળવવો.’’
સુમધુર કંઠે ખીચોખીચ ભરેલા હોલમાં ઉપસ્થિત સૌને આધ્યાત્મના શ્ર્લોક અને મંત્રોથી તરબોળ કર્યા બાદ મુનિજીના નામે જાણીતા પ. પૂ. સ્વામિ ચિદાનંદ સરસ્વતિજીએ મનનીય વક્તવ્યમાં જણાવ્યું હતું કે ‘’પૂ. સાધ્વીજીએ ‘સિક્રેટ્સ ટૂ હેપીનેસ’ના આ વક્તવ્ય દ્વારા ધણાં લોકોને સુખી થવાની સમજ આપી. ઘણાં લોકો હોલીડે આનંદ કરવા માટે જાય છે પરંતુ ત્યાંથી ઝઘડીને પાછા આવે છે. હું આજથી 42 વર્ષ પહેલા યુકે આવ્યો ત્યારે એસપી અને જીપી હિન્દુજાને મળ્યો હતો. ત્યારે તેમણે એક સરસ વાત જણાવી હતી કે તેમના પિતા હંમેશા કહેતા કે સારૂ કર્મ કરો. જો સારૂ કર્મ કરશો તો ભગવાન હંમેશા ગીતાજીમાં ‘મેં હું ના’ કહ્યું છે તેમ તમારી સાથે જ રહેશે. આપણા માલિકના દરબારમાં આપણે જે કરીએ છીએ તે બધું જ રેકોર્ડ થાય છે. આપણે જ્યારે કુદરત સાથે તાદમ્યતા સાધીએ છીએ ત્યારે આપણને વિંછી પણ કરડતો નથી. તમે નવી ફાઇલો ઉભી ન કરો ત્યાં સુધી કશું જ થતું નથી. સુખી થવુ હોય તો શ્રધ્ધા રાખો, જવા દોની ભાવના રાખો, બહુ આશા ન રાખો અને અપસેટ ન થાવ. સુખી થવા માટે એટીટ્યુડ અને ગ્રેટીટ્યુડ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. ભગવાન સાથે સતત જોડાયેલા રહો.’’
પૂ. સ્વામીજીએ બાળકોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે સૌ માતા પિતાને અપીલ કરી હતી કે ‘’બાળકો શાળાએ જાય તે પહેલા તેમની સાથે માત્ર પાંચ જ મિનિટ બેસો અને ત્રણ વખત શાંતિથી ભગવાન રામનું નામ બોલો. બાળકોને વધુ ધન કે વૈભવ બતાવવા કરતા તેમને વાસ્તવિકતાનો પરિચય કરાવો. તેમને બતાવો કે લોકોનું જીવન કેવું છે. જ્યારે વડિલોએ રાત્રે સુતા પહેલા પોતાના ઇષ્ટદેવની માળા કરી તેને બન્ને આંખો, હ્રદય તેમજ છાતીને સ્પર્શ કરવો. ભગવાનને પ્રાર્થના કરવી કે હે ઇશ્વર મારી આંખો, હ્રદય મારા બુધ્ધિચાતુર્યને શુધ્ધ કરો. તમે ચોખ્ખી સ્લેટ સાથે સુઇ જશો તો બીજે દિવસે તમે નવા જીવન સાથે ઉભા થશો.’’
પૂ. સ્વામીજીએ જણાવ્યું હતું કે ‘’આપણા શાસ્ત્રોમાં પણ ‘સર્વે ભવન્તુ સુખીન:’ શ્લોકનું ખૂબ જ મહત્વ છે. આપણે સૌ એક છીએ, સાથે રહી શકીએ છીએ અને એકબીજાનો પોતાના ગણી શકીએ છીએ તે ભૂલી ગયા છીએ. આપણી બધી ઋતુઓને વચ્ચે કોઇ હરિફાઇ નથી તો આપણી વચ્ચે કેમ? અને તે જ સિક્રેટ્સ ઓફ હેપીનેસ છે. તમે આ સુખ મેળવવા માંગતો હો તો અમારી પાસે આવો. અમારી પાસે જોઇએ તેટલા ‘હેપ્પી અવર’ છે, કોઇ હેંગઓવર નથી.’’
આ પ્રસંગે પૂ. સ્વામીજી અને પૂ. સાધ્વીજી દ્વારા યુકેના સૌથી ધનિક, સખાવતી અને હિન્દુજા ગૃપના શ્રી ગોપીચંદ હિન્દુજા, યુકેના રાજકારણમાં ભારતીય સમુદાય માટે પ્રતિનિધિત્વ કરતા અને રવાન્ડા, યુગાન્ડા અને કોંગો માટે યુકેના વડાપ્રધાનના ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટ, ભારતમાં ગરીબ પરિવારોની 500થી 1000 દિકરીઓના લગ્ન, તથા ભારત અને યુકેમાં સખવતી પ્રવૃત્તીઓ બદલ ધામેચા કેશ એન્ડ કેરીના શ્રી પ્રદિપભાઇ ધામેચા, લંડનના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ, કોવિડ રોગચાળા દરમિયાન સેવાઓ બદલ વિખ્યાત તબીબ ડૉ. ચાંદ નાગપૉલ અને ડૉ. મીના નાગપૉલ, શ્રી ચંદુભાઇ અને શ્રીમતી સુનિતા કેવલરામાણી, હેરો ઇસ્ટના એમપી શ્રી બોબ બ્લેકમેન, બ્રેન્ટ નોર્થના એમપી બેરી ગાર્ડીનરનું પરમાર્થ એવોર્ડ આપી શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.
પ્રારંભમાં શ્રી રામ કોટેચા અને નવની કોટેચાએ પૂ. સ્વામીજી અને પૂ. સાધ્વી ભગવતીજીનું ફૂલમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમજ પરમાર્થ નિકેતન, સંસ્થાની પ્રવૃત્તી અને પૂ. સ્વામીજી વિષે એક વિડીયો પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. પૂ. સ્વામીજી અને પૂ. સાધ્વીજીએ ઉપસ્થિત બાળકો સાથે મળીને દીપ પ્રગટાવી વક્તવ્યનો શુભારંભ કર્યો હતો.
આ પ્રસંગે પૂ. સ્વામીજીના 70મા જન્મ દિન અને પૂ. સાધ્વી ભગવતીજીના 50 મા જન્મ દિનની ઉજવણી કરાઇ હતી. પૂ. સ્વામીજીએ હિન્દુ રીત રીવાજ મુજબ કેક કાપવાની સસ્નેહ ના કહી હતી પણ તેઓ ઉજવણીમાં બાળકો સાથે જોડાયા હતા. તેમના 70મા અને 50મા જન્મ દિનનો સરવાળો કરી તેમાં એકનો ઉમેરો કરી કુલ 121 વૃક્ષો વાવવાની જાહેરાત કરાઇ હતી. ગાયક કલાકાર બેલડી રાજા કાસેફ અને રૂબાયત જહાંએ પ્રસંગને અનરૂપ જનેતા પર અને જન્માષ્ટમી પર ગીતના મુખડા ગાયા હતા.