ઉંમરલાયક તેમજ ગંભીર બીમારી ધરાવતા અને તેમના ઘરોમાં કોરોનાવાયરસથી સુરક્ષીત રાખવામાં આવ્યા હતા તેવા બે મિલિયનથી વધુ સંવેદનશીલ લોકોને 2 મીટરનુ સામાજિક અંતર જાળવવાની અને અન્ય તકેદારી રાખવાની શરતે બહાર જવા 10 અઠવાડિયામાં પ્રથમ વખત માટે અનુમતી આપવામાં આવી છે.
“તબીબી રીતે અત્યંત સંવેદનશીલ અને બીમાર” તરીકે ઓળખવામાં આવેલા લોકોને તેમના ઘરના અન્ય સભ્યોને હળવા મળવાની મંજૂરી આપવામાં આવશે. જેઓ એકલા રહે છે તેઓ બીજા ઘરના અન્ય એક વ્યક્તિને બે મીટર દૂરથી મળી શકશે.
આ અંગેની રૂપરેખા કોમ્યુનિટી સેક્રેટરી રોબર્ટ જેન્રિક દ્વારા આપવામાં આવી હતી. સરકાર આવા લોકોને બચાવનારા લોકો માટે સપોર્ટ પેકેજ – ખોરાક કે દવાઓ, ફોન કોલ અને સ્વયંસેવકોનો ટેકો ચાલુ રાખશે.
કડક લોકડાઉન નિયમોનુ પાલન કરનાર આવા લોકો માટે સરકાર રોડ મેપ તૈયાર કરશે. સામાજિક અંતરના પગલાં અને બચાવ માર્ગદર્શિકાને વધુ સરળ બનાવવા શક્ય છે કે કેમ તેની આગામી સમીક્ષા આ મહિનામાં થશે. જેનરીકે કહ્યું હતું કે “પગલાં લેવામાં આવ્યા તેના પછી હાલમાં કોરોનાવાયરસના બનાવોનો દર હવે નોંધપાત્ર રીતે ઓછો છે અને અમે યોગ્ય સંતુલન રાખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”
કેન્સર અને ગંભીર અસ્થમાવાળા કેટલાક લોકોને ગયા અઠવાડિયે ટેક્સ્ટ મેસેજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓને હવે ઘરે રહેવાની જરૂર નથી.