ગુજરાતમાં સાત મેએ લોકસભાની તમામ 26 બેઠકો અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરંબદરની વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે સાત મેએ પેટાચૂંટણીની જાહેરાત કરાઈ હતી.
રાજ્યમાં ભાજપ તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખશે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. આ ગઠબંધનના ભાગરૂપે આમ આદમી પાર્ટી ભરુચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડશે, બાકીની બેઠકો પર કોંગ્રેસ તેના ઉમેદવારો ઊભા રાખશે.
લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી મુદત પ્રયાસ કરશે. ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર જંગી બહુમતી સાથે વિજય મેળવવાનો પ્રયાસ કરશે.
2014માં મોદીના સત્તા પર આવ્યા પછી ગુજરાતમાં સંપૂર્ણપણે ભાજપનું વર્ચસ્વ છે. ભાજપે 2019ની ચૂંટણીમાં રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો પર કબજો કરીને તેનું વર્ચસ્વ મજબૂત બનાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાંથી શાનદાર જીત મેળવી હતી.
બીજી તરફ કોંગ્રેસ તેના નેતાઓના પક્ષપલટાના પડકારોનો સામનો કરી રહી છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના ભૂતપૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનો સહિતના તેના ચાર ધારાસભ્યો તાજેતરમાં ભાજપમાં જોડાયા હતા. તેનાથી 182 સભ્યો ધરાવતી વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 13 થઈ ગઈ છે.કોંગ્રેસના ધારાસભ્યો જેઓ લોકસભા ચૂંટણી પહેલા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે તેમાં સી જે ચાવડા, ચિરાગ પટેલ અને અરવિંદ લાડાણીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, આદિવાસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારણ રાઠવાએ પણ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા.