પૂર્વ ભારતના નાગાલેન્ડમાં લોકસભા ચૂંટણી માટે 20 એપ્રિલે મતદાન યોજાયું હતું પરંતુ છ જિલ્લાનાં અંદાજે ચાર લાખ મતદારોએ મતદાનનો વિરોધ કરીન મતાધિકારનો ઉપયોગ કર્યો નહોતો. ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન (ઇએનપીઓ)એ અલગ વહીવટીતંત્ર અને વધુ નાણાકીય સ્વાયત્તતા સાથે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ સાથે સ્થાનિક વિસ્તારોનાં 20 ધારાસભ્યોએ પણ મતદાન કર્યું નહોતું. મતદાનના દિવસે કર્મચારીઓ બૂથ પર નવ કલાક સુધી રાહ જોતા રહ્યા, પરંતુ ક્ષેત્રના ચાર લાખ મતદારોમાંથી એક પણ મતદાર વોટ આપવા આવ્યો નહીં. ફ્રન્ટિયર નાગાલેન્ડ ક્ષેત્ર (FNT)ની માગને લઈને દબાણ બનાવવા માટે ઇએનપીઓએ બંધનું એલાન કર્યું હતું. મુખ્ય પ્રધાન નેફ્યુ રિયોએ કહ્યું હતું કે, રાજ્ય સરકારને ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન(ઇએનપીઓ)ની એફએનટીની માગથી કોઈ તકલીફ નથી, કારણ કે તેઓ પહેલા પણ આ ક્ષેત્રની સ્વાયત્તતા માટે ભલામણ કરી ચૂક્યા છે. ઈએનપીએ પૂર્વ ક્ષેત્રના સાત આદિવાસી સંગઠનોની સર્વોચ્ચ સંસ્થા છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય ઈમરજન્સી સર્વિસને છોડીને પૂર્વ નાગાલેન્ડના રોડ પર સામાન્ય લોકો કે વાહનોની અવરજવર જોવા મળી નથી. નાગાલેન્ડના એડિશનલ ચીફ ઈલેક્શન ઓફિસર આવા લોરિંગે કહ્યું કે, ક્ષેત્રના 738 મતદાન કેન્દ્રો પર સવારે 7 કલાકથી સાંજે 4 કલાક સુધી ચૂંટણીકર્મીઓ ઉપસ્થિત હતા, જેમાં 20 વિધાનસભા ક્ષેત્ર સામેલ છે. ચૂંટણી પંચની ઓફિસના સૂત્રોએ કહ્યું કે, એ નવ કલાકમાં એક પણ મતદાર મતદાન કરવા આવ્યો નથી. સાથે જ 20 ધારાસભ્યોએ પણ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો નથી.
ઇનએનપીઓ છ જિલ્લાના એક અલગ રાજ્યની માગ કરી રહ્યા છે. સાથે જ તેમનો આરોપ છે કે સરકારે આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક વિકાસ કર્યો નથી.
પ્રશ્ન એ છે કે શું વોટ નહીં આપવા માટે પૂર્વ નાગાલેન્ડના 20 ધારાસભ્યોની વિરુદ્ધ કોઇ કાર્યવાહી થશે? આ પ્રશ્નના જવાબમાં મુખ્ય પ્રધાને કહ્યું કે, ‘અમે ઘર્ષણની સ્થિતિ ઈચ્છતા નથી.’ નાગાલેન્ડનાં મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા બદલ ઇએનપીઓને નોટિસ આપી હતી. ઇનપીઓએ ગત વર્ષે પણ વિધાનસભા ચૂંટણીનાં બહિષ્કારનો અનુરોધ કર્યો હતો.