ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગુરુવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. આ બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે.ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત રાજ્યમાં ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર મંગળવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થયો હતો. ભાજપ અને કોંગ્રેસ તમામ 89 સીટો પર ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) 88 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. સુરત પૂર્વ મતવિસ્તારમાંથી તેના એક ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ના કાર્યાલયે એક રિલીઝમાં જણાવ્યું હતું કે ગુરુવારે 14,382 મતદાન મથકો પર સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યાની વચ્ચે મતદાન થશે.પ્રથમ તબક્કામાં મતદાન થવા જઈ રહેલી 89 બેઠકોમાંથી 2017ની ચૂંટણીમાં ભાજપે 48 પર જીત મેળવી હતી, કોંગ્રેસે 40 પર જીત મેળવી હતી, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ઉપરાંત, બહુજન સમાજ પાર્ટી (BSP), સમાજવાદી પાર્ટી (SP), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPI-M) અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)સહિતના 36 રાજકીય પક્ષનો સમાવેશ થાય છે. BSPએ 57 ઉમેદવારો, BTPએ 14 અને CPI-Mએ ચાર ઉમેદવારો ઊભા રાખ્યા છે.પ્રથમ તબક્કાના મતદાનમાં 339 જેટલા અપક્ષો પણ મેદાનમાં છે.
કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલાઓ છે જેમાં ભાજપ દ્વારા 9, કોંગ્રેસ દ્વારા છ અને AAP દ્વારા પાંચ ઉમેદવારો મેદાનમાં છે.AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. AAP રાજ્ય એકમના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામથી ચૂંટણી લડી રહ્યા છે.
પ્રથમ તબક્કાના અન્ય અગ્રણી ઉમેદવારોમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા, જેઓ જામનગર (ઉત્તર)થી ચૂંટણી લડી રહ્યા છે, અને સુરતની વિવિધ બેઠકો પરથી ભાજપના ધારાસભ્યો હર્ષ સંઘવી અને પૂર્ણેશ મોદી થતા ભાવનગરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પરષોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે.
લલિત કગથરા, લલિત વસોયા, રૂત્વિક મકવાણા અને મોહમ્મદ જાવેદ પીરઝાદા જેવા કોંગ્રેસના ધારાસભ્યો પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર પ્રદેશની બેઠકો પરથી મેદાનમાં છે.
54 બેઠકો સાથે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ કોંગ્રેસ માટે નિર્ણાયક બનશે, કારણ કે તે તેનું પ્રદર્શન સુધારવા માંગે છે. આ પ્રદેશમાં કોંગ્રેસે 2012ની ચૂંટણીમાં 16ની સરખામણીમાં 2017માં 30 બેઠકો જીતી હતી. બીજી તરફ, ભાજપને આ પ્રદેશમાંથી 2017માં 23 બેઠકો મળી હતી.અગાઉની ચૂંટણીમાં ભાજપે 35 બેઠકો જીતી હતી.દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે 2017માં 10 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપ 25 બેઠકો જીતી હતી. દક્ષિણ ગુજરાતમાં 12 બેઠકો સાથે સુરત શહેરનો પણ સમાવેશ થાય છે જે લાંબા સમયથી ભાજપનો ગઢ છે.રાજ્યના સીઈઓના કાર્યાલયે જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ 4,91,35,400 નોંધાયેલા મતદારોમાંથી 2,39,76,670 ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરવા માટે લાયક છે. આમાં 18-19 વર્ષની વય જૂથના 5.74 લાખ મતદારો અને 99 વર્ષથી વધુ વયના 4,945 મતદારોનો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કામાં ચૂંટણી માટે કુલ 34,324 બેલેટ યુનિટ, સમાન સંખ્યામાં કંટ્રોલ યુનિટ્સ અને 38,749 વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.