યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુકેની સંસદમાં કરેલા ઐતિહાસિક સંબોધનમાં બુધવારે આગાહી કરી હતી કે રશિયા તેમના દેશ યુક્રેન સામે યુદ્ધ હારી જશે. મોસ્કોએ લશ્કરી આક્રમણ કર્યું તેના “પ્રથમ દિવસ”થી યુકેએ આપેલા સમર્થન માટે બ્રિટિશ લોકોનો આભાર માન્યો હતો. તેમણે વડા પ્રધાન ઋષિ સુનક તથા કિંગ ચાર્લ્સ સાથે પણ મુલાકાત કરી હતી.
ઝેલેન્સકીએ યુકેની સંસદમાં “મજબૂત બ્રિટિશ કેરેક્ટર”ની પ્રશંસા કરતાં એક ઉત્સાહપૂર્ણ સંબોધનમાં કહ્યું હતું કે “અત્યારે આર્ટિલરી ફાયર હેઠળ લડી રહેલા અમારા બહાદુર સૈનિકો વતી હું તમારી સમક્ષ ઉભો છું. યુક્રેન દુષ્ટતાને હરાવીને ટોચ પર આવશે, આ અમારી અને તમારી પરંપરાઓના મૂળમાં છે. અમે જાણીએ છીએ કે સ્વતંત્રતા જીતશે, અમે જાણીએ છીએ કે રશિયા હારી જશે અને જીત વિશ્વને બદલી નાખશે.”
વડા પ્રધાન સુનકે કહ્યું હતું કે “રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની યુકેની મુલાકાત તેમના દેશની હિંમત, નિશ્ચય અને લડાઈ અને આપણા બંને દેશો વચ્ચેની અતૂટ મિત્રતાનું પ્રમાણપત્ર છે. 2014 થી, યુકેએ યુક્રેનિયન દળોને મહત્વપૂર્ણ તાલીમ પૂરી પાડી છે, જેનાથી તેઓ તેમના દેશની રક્ષા કરી શકે, તેમની સાર્વભૌમત્વનું રક્ષણ કરી શકે અને તેમના પ્રદેશ માટે લડી શકે. મને ગર્વ છે કે આજે આપણે સૈનિકોથી લઈને મરીન અને ફાઈટર જેટ પાઈલટ સુધીની તાલીમનો વિસ્તાર કરીશું, એ સુનિશ્ચિત કરીશું કે યુક્રેન ભવિષ્યમાં તેના હિતોની સારી રીતે રક્ષા કરવા સક્ષમ સૈન્ય ધરાવે.”
યુકેમાં છેલ્લા છ મહિનામાં 10,000 યુક્રેનિયન સૈનિકો યુદ્ધની તૈયારી માટે યુકે આવ્યા છે અને હવે આ વર્ષે વધુ 20,000 યુક્રેનિયન સૈનિકોને ઉન્નત બનાવાશે. ગયા અઠવાડિયે, યુક્રેનિયન સૈનિકો ચેલેન્જર 2 ટેન્કને કેવી રીતે કમાન્ડ કરવી તે શીખવા માટે યુકે પહોંચ્યા હતા.
આ મુલાકાત દરમિયાન, ઝેલેન્સકી અને તેમની ટીમ બ્રિટનના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ચીફ ઓફ ધ એર સ્ટાફ સહિત સંરક્ષણ અને સુરક્ષા વડાઓને પણ મળી હતી. દરમિયાન, યુકેએ બુધવારે રશિયાના “યુક્રેન પરના સતત બોમ્બમારા બાદ વધુ પ્રતિબંધોની જાહેરાત કરી રશીયન કંપનીઓને નિશાન બનાવી હતી.”