વોડાફાન ગ્રુપ પીએલસીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત સરકાર સામેના ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન કેસમાં કંપનીનો વિજય થયો છે. તેનાથી આશરે બે અબજ ડોલરના ટેક્સ સંબંધિત એક હાઇ પ્રોફાઇલ વિવાદનો અંત આવ્યો છે.
હેગમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો છે કે વોડાફોન પર ભારત સરકારે લાદેલી ટેક્સ જવાબદારી, વ્યાજ અને પેનલ્ટી ભારત અને નેધરલેન્ડ વચ્ચેની રોકાણ સંધિનો ભંગ કરે છે, એમ આ ગતિવિધીથી માહિગાર બે વ્યક્તિએ જણાવ્યું હતું.
સૂત્રે જણાવ્યું હતું કે ભારતે કુલ 279 અબજ રૂપિયા (3.79 બિલિયન ડોલર)ની માગણી કરી હતી, જેમાં બે અબજ ડોલરના ટેક્સ તથા વ્યાજ અને પેનલ્ટીનો સમાવેશ થાય છે.
ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે સરકારની આ માગણી ન્યાયી અને સમાન વ્યવહારનો ભંગ કરે છે અને સરકારે વોડાફોન પાસેથી આ લેણા માંગવાનું બંધ કરવું જોઇએ. ટ્રીબ્યુનલે કાનૂની ખર્ચના વળતર તરીકે કંપનીને 4.3 મિલિયન પાઉન્ડ (5.47 મિલિયન ડોલર) ચૂકવવાનો પણ ભારત સરકારને આદેશ કર્યો છે.
વોડાફોન ગ્રુપના કોર્ટમાં આ વિજયને પગલે તેના ભારત ખાતેની કંપની વોડાફોન આઇડિયાના શેરનો ભાવ શુક્રવારે 13 ટકાનો ઉછાળા સાથે બંધ થયો હતો.
વોડાફોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રીબ્યુનલે જણાવ્યું છે કે ટેક્સની માગણી કરવાનો ભારત સરકારનો કોઇપણ પ્રયાસ ભારત દ્વારા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન મનાશે.
આ મુદ્દે ભારતનાં નાણામં ત્રાલયે કોઇ ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ કેસમાં વોડાફોનનું પ્રતિનિધિત્વ કરતી ભારતની લો ફર્મ DMD એડવોકેટ્સના સિનિયર પાર્ટનર અનુરાધા દત્તે જણાવ્યું હતું કે વોડાફોનને આખરે પ્રથમ ભારતની સુપ્રીમ કોર્ટ અને તે પછી હવે ઇન્ટરનેશનલ આર્બિટ્રલ ટ્રીબ્યુનલમાંથી ન્યાય મળ્યો છે.
આ ચુકાદાથી ઇન્ટરનેશનલ ટ્રીટી એગ્રીમેન્ટ હેઠળના ભારતના એક મોટા વિવાદાસ્પદ વિવાદનો અંત આવ્યો છે.
આ વિવાદ વોડાફોન દ્વારા 2007માં હચિસન વેમ્પોના ભારત ખાતેના મોબાઇલ બિઝનેસની ખરીદી સંબંધિત હતો. કંપનીએ 11 અબજ ડોલરમાં આ ખરીદી કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે વોડાફોને આ ખરીદી પર કેપિટલ ગેઈન્સ ટેક્સ ચૂકવવો જોઇએ, જેનો કંપનીએ વિરોધ કર્યો હતો. 2012માં ભારતની સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ સરકારે નિયમો બદલી નાંખીને અગાઉના ડીલ પર ટેક્સની માગણી કરી હતી. 2014માં વોડાફોને ભારત વિરુદ્ધ આર્બિટ્રેશન કાર્યવાહી ચાલુ કરી હતી.