પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની વીવો અને સંબંધિત કંપનીઓ સામેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દેશભરમાં ઓછામાં ઓછા 40 ઠેકાણે દરોડા પાડ્યા હતા. ઇડીએ દિલ્હી, ઉત્તરપ્રદેશ, મેઘાલય અને મહારાષ્ટ્ર સહિતના સંખ્યાબંધ સ્થળોએ મની લોન્ડરિંગ નિવારણ ધારાની કલમો હેઠળ કાર્યવાહી કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું,

વીવો ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ જરૂરી તમામ માહિતી સાથે સત્તાવાળાને સહયોગ આપી રહ્યાં છે. એક જવાબદાર કંપની તરીકે અમે કાયદાનું સંપૂર્ણ પાલન કરવા પ્રતિબદ્ધ છીએ.

ઇડીએ વીવો અને સંબંધિત કંપનીઓના 44 ઠેકાણે સર્ચ કાર્યવાહી ચાલુ કરી છે. જમ્મુ અને કાશ્મીરમાં એજન્સાના એક ડિસ્ટ્રિબ્યુટર સામે દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ તાજેતરમાં દાખલ કરેલા કેસને ધ્યાનમાં લઇને ઇડીએ મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો છે. આ કંપનીના શેરના શેરહોલ્ડર્સે તેમના ઓળખના બનાવી દસ્તાવેજ બનાવ્યા હોવાનો આરોપ છે. ઇડીને આશંકા છે કે કાગળ પરની કંપનીઓનો ઉપયોગ કરીને ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર ફંડને કાયદેસર બનાવવા માટે આ દસ્તાવેજનો ઉપયોગ થયો છે.

ચીનની કંપનીઓ સામેના કેન્દ્ર સરકારના કડક વલણની વચ્ચે ઇડીએ આ કાર્યવાહી કરી છે. ઇડીએ એપ્રિલમાં ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી ઇન્ડિયાનું રૂ.5,551 કરોડની ડિપોઝિટ ટાંચમાં લીધી હતી. આ કંપની સામે વિદેશી હૂંડિયામણ ધારાના ભંગનો આરોપ છે. આવકવેરા વિભાગે પણ ફેબ્રુઆરીમાં ચીનની ટેલિકોમ કંપની હુઆવી સામે વિદેશી હૂંડિયામણ ધારાના ભંગ બદલ કાર્યવાહી કરી હતી.