ઇન્ડિયન અમેરિકન ટેક આંત્રેપ્રિન્યોર વિવેક રામસ્વામીએ અમેરિકાની 2024ની પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. નિક્કી હેલી પછી રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્શિયલ પ્રાઇમરીમાં ઉમેદવારીની જાહેરાત કરનારા તેઓ ભારતીય મૂળના બીજા વ્યક્તિ છે. રામાસ્વામીએ રાજકીય વિવેચક ટકર કાર્લસનના ફોક્સ ન્યૂઝના પ્રાઇમ ટાઇમ શોમાં લાઇવ ઇન્ટરવ્યુ દરમિયાન આ જાહેરાત કરી હતી. રામાસ્વામીએ જીવનના દરેક ક્ષેત્રમાં “મેરિટના પુનરાગમન” અને ચીન પર નિર્ભરતા સમાપ્ત કરવાના વચન સાથે આ જાહેરાત કરી હતી.
37 વર્ષીય રામાસ્વામીના માતાપિતા કેરળથી અમેરિકામાં માઇગ્રેટ થયા હતા. આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ કેરોલિનાના બે ટર્મના ભૂતપૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં ભૂતપૂર્વ યુએસ એમ્બેસેડર હેલીએ તેમના પ્રેસિડેન્શિયલ કેમ્પેઇનની જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે તે રિપબ્લિકન પાર્ટીના નોમિનેશન માટે તેના ભૂતપૂર્વ બોસ અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે.
સેકન્ડ જનરેશન ઇન્ડિયન અમેરિકન રામાસ્વામીએ 2014માં રાઇવન્ટ સાયન્સિસની સ્થાપના કરી હતી તથા 2015 અને 2016માં સૌથી મોટા બાયોટેક આઇપીઓની આગેવાની કરી હતી. તેમણએ બીજી કેટલીક સફળ હેલ્થકેર અને ટેકનોલોજી કંપનીઓની સ્થાપના કરી છે.
2022માં તેમણે સ્ટ્રાઈવ એસેટ મેનેજમેન્ટની શરૂઆત કરી હતી, જે અમેરિકન અર્થતંત્રમાં રોજિંદા નાગરિકોના અવાજને પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી એક નવી કંપની છે. તે રાજકારણમાં પર શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
તેમણે જણાવ્યું હતું કે “હું અમેરિકાને પ્રથમ સ્થાન આપવાની તરફેણ કરું છું, પરંતુ અમેરિકાને પ્રથમ સ્થાન આપવા માટે, આપણે પહેલા અમેરિકા શું છે તે ફરીથી શોધવું પડશે. તેમણે કહ્યું કે અમેરિકા ચીનના ઉદય જેવા બાહ્ય જોખમોનો સામનો કરી રહ્યું છે.
વિવેક રામાસ્વામી એક કરોડપતિ બિઝનેસમેન છે અને અમેરિકી રાજ્ય આયોવામાં તેઓ પોતાની ઉમેદવારીનો પ્રચાર કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. રામાસ્વામી કહે છે કે તેઓ વિચાર આધારિત અભિયાન શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. રામાસ્વામીની માતા મનોચિકિત્સક હતી. રામાસ્વામીનો જન્મ અમેરિકાના સિનસિનાટીમાં થયો હતો. હાર્વર્ડ અને યેલ યુનિવર્સિટીના શિક્ષિત વિવેક રામાસ્વામીની સંપત્તિ $500 મિલિયનની નજીક છે.