ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક અને આવતા વર્ષે યોજાનારી પ્રેસિડેન્ટપદની ચૂંટણી માટે આશાવાદી વિવેક રામાસ્વામી તાજેતરમાં યોજાયેલી પ્રથમ રીપબ્લિકન પ્રાયમરી ડીબેટ મુખ્ય વક્તાઓ પૈકીના એક હતા. વિસ્કોન્સિનમાં મિલવૌકીમાં યોજાયેલી ડીબેટમાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નહીં જોડાવાનું નક્કી કર્યું હતું.
આઠ રીપબ્લિકન ઉમેદવારોએ રામાસ્વામીનો સામનો કર્યો હતો. વિવેક રામાસ્વામીએ વિશેષમાં યુક્રેન યુદ્ધ, ડોનાલ્ડ ટ્રમ્પ અને જળવાયુ પરિવર્તન પર ટીપ્પણીઓ કરતા તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રામાસ્વામી પ્રથમવાર જાહેર હોદ્દા માટે ચૂંટણી લડી રહ્યા છે અને તેમના વિરોધીઓ પર છવાઈ ગયેલા જણાઈ રહ્યા છે.
38 વર્ષના રામાસ્વામી મતદાનમાં ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ઘણા પાછળ હોવા છતાં પ્રથમ ડીબેટમાં છવાઈ ગયા હતા અને બુધવારે યોજાયેલી ડીબેટમાં એક સ્ટાર તરીકે ઊભરી આવ્યા હતા. ડીબેટ દરમિયાન રામાસ્વામીએ કરેલી કેટલીક મહત્ત્વપૂર્ણ ટીપ્પણીઓ દર્શકોને ખૂબજ ગમી હતી. નિક્કી હેલી અને માઈક પેન્સ જેવા પ્રસ્થાપિત ઉમેદવારો સામે હોવા છતાં, વિવેક રામાસ્વામી પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.