અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બિડેન ભારતીય મૂળના ફિઝિશિયન વિવેક મૂર્તિના વડપણ હેઠળ કોવિડ-19 ટાસ્ક ફોર્સની રચના કરશે. બારાક ઓબામા સરકારમાં વિવેક મૂર્તિની સર્જન જનરલ તરીકે નિમણુંક થઈ હતી. અમેરિકામાં કોરોના વાઇરસના કુલ કેસ 10 મિલિયનને વટાવી ગયા છે ત્યારે મૂર્તિની નિમણુક થઈ રહી છે.
મૂર્તિએ ભૂતકાળમાં આ મહામારી માટે વિજ્ઞાન આધારિત અભિગમની તરફેણ કરી હતી. તેમણે અગાઉ કોરોના વેક્સિનના રાજકારણ અંગે પણ ટ્રમ્પ સરકારની ટીકા કરી હતી.
બિડેનના ડેપ્યુટી કેમ્પેઇન મેનેજરે જણાવ્યું હતું કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ભૂતપૂર્વ કમિશનર ડેવિડ કેલ્સર સાથે 43 વર્ષીય મૂર્તિ કોવિડ-19 ટાસ્ક ફોર્સના વડા બનશે. મૂર્તિનો પરિવાર કર્ણાટકમાંથી આવે છે. મૂર્તિએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં બેચરલની ડિગ્રી મેળવી હતી. આ પછી તેઓ ઇન્ટર્નલ મેડિસિનમાં ફેકલ્ટી તરીકે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં જોડાયા હતા. મૂર્તિએ 15 ડિસેમ્બર 2014થી 21 એપ્રિલ 2017 દરમિયાન ઓબામા સરકારમાં 19માં સર્જન જનરલ તરીકે કામ કર્યું હતું.