વિસ્તારા એરલાઇન્સનું માર્ચ 2024 સુધી ટાટાની માલિકીની એર ઇન્ડિયામાં મર્જર થશે એવી કંપનીએ મંગળવાર, 29 નવેમ્બરે જાહેરાત કરી હતી. વિસ્તારા હાલમાં સિંગાપોર એરલાઇન્સ અને ટાટા સન્સનું સંયુક્ત સાહસ છે. આ મર્જર પછી પણ સિંગાપોર એરલાઇન્સની એર ઇન્ડિયામાં ભાગીદારી ચાલુ રહેશે. સિંગાપોર એરલાઈન્સનો આ મર્જર પછી 25 ટકા ઇક્વિટી હિસ્સો રહેશે અને સિંગાપોર એરલાઈન્સ મર્જરની પ્રક્રિયા પૂર્ણ થયા પછી રૂ.2,000 કરોડનું નવું મૂડીરોકાણ પણ કરશે.
આ પુનર્ગઠનથી એર ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ વિમાનના કાફલા અને રૂટમાં વધારો થશે. ટાટા ગ્રુપ એર ઇન્ડિયાનું ગુમાવેલું સામ્રાજ્ય પરત મેળવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આ મહત્ત્વની ઘોષણા થઈ છે.
હાલમાં વિસ્તારામાં 51 ટકા હિસ્સો ટાટાનો અને સિંગાપોર એરલાઇન્સનો બાકીનો 49 ટકા હિસ્સો છે. 2013માં વિસ્તારાની સ્થાપના કરાઈ હતી. સિંગાપોર એરલાઇન્સના ચીફ એક્ઝિક્યુટિવ ગોહ ચૂન ફોંગે જણાવ્યું હતું કે, 2013માં વિસ્તારાની સ્થાપનામાં અમારો સહયોગ હવે માર્કેટ-લીડર ફુલ-સર્વિસ કેરિયરમાં પરિણમ્યો છે. આ મર્જર પછી અમને ટાટા સાથેના અમારા સંબંધો વધુ ગાઢ બનાવવાની અને ભારતના ઉડ્ડયન માર્કેટની આકર્ષક વૃદ્ધિમાં સીધી રીતે ભાગ લેવાની તક મળશે.
ટાટાએ લગભગ એક વર્ષ પહેલાં સરકારના ડિસિન્વેસ્ટમેન્ટના ભાગરૂપે એર ઈન્ડિયા ₹18,000 કરોડમાં ખરીદી તે પછી આ બ્રાન્ડનેમ હેઠળ તેની તમામ એવિએશન બ્રાન્ડ્સ મર્જ કરવાની યોજના છે.સિંગાપોર એરલાઇન્સના એક યાદીમાં જણાવ્યું હતું કે બંને માલિકોનું “નિયમનકારી મંજૂરીઓને આધીન માર્ચ 2024 સુધીમાં વિલીનીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. ટાટા પાસે લો કોસ્ટ એરલાઇન્સ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા ઈન્ડિયાની માલિકી પણ છે. આ બંને એરલાઇન્સને પણ 2024 સુધીમાં એર ઈન્ડિયા બ્રાન્ડ હેઠળ મર્જ કરાશે.
ટાટા સન્સે જણાવ્યું હતું કે આનાથી વિમાન કાફલાનું કદ વધીને 218 થશે, જેમાં એર ઈન્ડિયાના 113 સાથે એરએશિયા ઈન્ડિયાના 28, વિસ્તારાના 53 અને એર ઈન્ડિયા એક્સપ્રેસના 24 વિમાનનો સમાવેશ થાય છે. આ મર્જર પછી એર ઇન્ડિયા ભારતની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય કેરિયર અને બીજા ક્રમની સૌથી મોટી ડોમેસ્ટિક કેરિયર બનશે.