લંડન અને નવી દિલ્હી વચ્ચે ડેઇલી ડાયરેક્ટ ફ્લાઈટ્સની શરૂઆત સાથે પોતાની આંતરરાષ્ટ્રીય સેવાઓનું વિસ્તરણ કરતી ભારતની સૌથી નવી ફુલ-સર્વિસ કેરિયર વિસ્તારાએ જો વધુ એરક્રાફ્ટ ઉપલબ્ધ થશે તો યુરોપને પોતાના ફોકસ પોઈન્ટ તરીકે જાહેર કર્યું છે. ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઇન્સના સંયુક્ત સાહસ વિસ્તારાએ મંગળવારે સેન્ટ્રલ લંડનની હોટેલ તાજ ખાતે લંડનના હિથરો એરપોર્ટથી ભારતીય રાજધાની નવી દિલ્હીની હવાઇ સેવાની ઉજવણી કરી હતી. વધુ એરક્રાફ્ટ અને સ્લોટ્સ ઉપલબ્ધ થતાં જ પેરીસ, ફ્રેન્કફર્ટ અને લંડનની ભારતના શહેરોને જોડતી વધુ ફ્લાઇટ્સ શરૂ કરાશે.
ગુરૂગ્રામ ખાતે હેડક્વાર્ટર ધરાવતી એરલાઈનના સીઈઓ વિનોદ કન્નને લંડનમાં તાજ હોટેલ ખાતે એક બ્રીફિંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય સ્તરે અમે લંડન સહિત કુલ 10 શહેરોને આવરી લઈએ છીએ. વિસ્તારાના રૂટથી ખૂબ જ ખુશ છીએ, લોડ ફેક્ટર્સ ખૂબ જ મજબૂત છે. સરેરાશ લોડ ફેક્ટર્સ 80-85 ટકાથી વધુ છે અને ફ્રન્ટ-એન્ડ કેબિન સારી રીતે સબસ્ક્રાઇબ થાય છે. જો અમારી પાસે એરક્રાફ્ટ ઉપલબ્ધ થશે તો યુરોપ ચોક્કસપણે ફોકસ પોઈન્ટ બની રહેશે. જો સ્લોટ મળશે તો કદાચ બીજી લંડન-દિલ્હી ફ્લાઇટ પણ શરૂ થશે તથા પેરિસ અને ફ્રેન્કફર્ટની ડેઇલી ફ્લાઇટ શરૂ થશે. યુ.એસ. એ એક એવું ક્ષેત્ર છે જેના માટે અમે રાહ જોઇશું.’’
લંડન રૂટ પર બોઇંગના 787 ડ્રીમલાઇનર્સને ઉડાડતી વિસ્તારા અન્ય ઘણી એરલાઇન્સની જેમ યુએસ એરોસ્પેસ મેજર તરફથી એરક્રાફ્ટના પુરવઠાને કારણે વધુ સેવા આપી શકતી નથી. કન્નને ખુલાસો કર્યો હતો કે એરલાઇને છ ડ્રીમલાઇનર્સની જરૂર છે પરંતુ હાલમાં તે માત્ર બે એરક્રાફ્ટ સાથે સેવા આપી રહી છે. રોગચાળા પછીની વિસ્તરણ યોજનાઓના ભાગ રૂપે તેઓ બોઇંગ સાથે સપ્લાય અંગે વાતચીત કરી રહ્યા છે.
કન્નને કહ્યું હતું કે “છેલ્લા બે વર્ષથી અન્ય એરલાઇનની જેમ રોજે રોજના બદલાવને પગલે વિવિધ જરૂરિયાતો સાથે અમારા આયોજન બદલાયા હતા. આખરે આજે અમે અહિં છીએ. જે મહત્વનું છે તે આગળ જોવાનું છે અને બાબતો તેજસ્વી દેખાઈ રહી છે. અમે રોગચાળા દરમિયાન વધુ સ્થળોએ ફ્લાઇટો શરૂ કરી હતી જેના પર અમને ગર્વ છે. અમારી પ્રોડક્ટ ઑફર સાથે ભવિષ્યમાં શું થશે તેની રાહ જોઈ રહ્યા છીએ. રશિયા-યુક્રેનની કટોકટી, ઇંધણના ભાવો અને મર્યાદિત ક્ષમતા સામે મજબૂત માંગને કારણે મોટાભાગના લાંબા અંતરના રૂટ પર થોડા સમય માટે ભાડા ઊંચા રહેશે. જો કે, ભારતના તમામ મુખ્ય શહેરો સાથેની વ્યાપક કનેક્ટિવિટી, ટચલેસ ટેક્નોલોજી અને સ્ટારબક્સ ઓન બોર્ડ જેવા લાભોને કારણે વિસ્તારાની સંભાવનાઓ વિશે વિશ્વાસ છે. અમે અમારા ખાદ્યપદાર્થો અને પીણા માટે ખૂબ જ જાણીતા છીએ અને સ્થાનિક સ્તરે ઘણી પ્રશંસા મેળવી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓફર કરીશું. અમે સ્ટારબક્સને બોર્ડમાં સેવા આપનારી એકમાત્ર એરલાઇન છીએ. અમે એક ભારતીય બ્રાન્ડ છીએ, જે હૂંફ અને આતિથ્ય લાવી છે જેના માટે ભારત જાણીતું છે.”
ઓગસ્ટ 2020માં રોગચાળા વખતે યુકેમાં શરૂ થયેલ વિસ્તારા આશા રાખે છે કે તેનું હબ-એન્ડ-સ્પોક મોડલ અને બ્રિટિશ એરવેઝ સહિત અનેક અગ્રણી એરલાઇન્સ સાથેનું કોડ શેર પ્રવાસીઓમાં લોકપ્રિય સાબિત થશે.
વિસ્તારા ભારતમાં 29 શહેરો વચ્ચે 78 ફ્લાઇટ ઉડાડે છે અને વિદેશમાં 10 શહેરો વચ્ચે ઉડાન ધરાવે છે. વિસ્તારાએ પોતાની સેવો માટે ડઝનબંધ એવોર્ડ્સ મેળવેલા છે. તે પોતાના રાઇટ ટાઇમ માટે જાણીતી છે.
પત્રકાર પરિષદમાં વિસ્તારાના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ ઓફ કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ રશ્મિ સોની અને વિસ્તારાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એરલાઇનના ચિફ કોમર્શીયલ ઓફિસર દીપક રાજાવતે વિસ્તારાના ઓપરેશન અંગે અન્ય માહિતી આપી હતી. જ્યારે વિસ્તારાના હેડ ઓફ સેલ્સ – ઇન્ટરનેશનલ, કૈઝાદ પોસ્ટવાલાએ વિસ્તારા એરલાઇન્સ વિષે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.