(ANI Photo)

છત્તીસગઢમાં નવા મુખ્યપ્રધાન અંગેના સસ્પેન્સનો અંત લાવતા ભાજપે રવિવારે વરિષ્ઠ આદિવાસી નેતા વિષ્ણુ દેવ સાઈને નવા મુખ્યપ્રધાન બનાવવાની જાહેરાત કરી હતી. વિષ્ણુદેવ સાઇ  ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ત્રણ વખતના છત્તીસગઢ ભાજપના એકમના પ્રમુખ છે.

ભાજપના નવા ચૂંટાયેલા 54 ધારાસભ્યો તેના કેન્દ્રીય નિરીક્ષકોને મળ્યા પછી તરત જ સાઈના નામનો પ્રસ્તાવ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહે કર્યો હતો. પક્ષના સૌથી લાંબા સમય સુધી આઠ વખત ધારાસભ્ય રહેલા બ્રિજમોહન અગ્રવાલ અને રાજ્ય ભાજપ અધ્યક્ષ અરુણ સાઓએ આ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. સાઈ બાદમાં રાજ્યપાલ બિશ્વભૂષણ હરિચંદનને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

ત્રણ રાજ્યોમાં ચૂંટણી વિજય પછી ભાજપે લાંબા વિચારવિમર્શ પછી છત્તીસગઢના મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરી હતી. રાજકારણમાં, વિષ્ણુદેવ સાય સ્વચ્છ છબી અને લાંબી રાજકીય ઈનિંગ્સ ધરાવતો મોટો આદિવાસી ચહેરો છે. છત્તીસગઢમાં તેમની ઐતિહાસિક જીતમાં ભાજપે સુરગુજા અને બસ્તર વિભાગના આદિવાસી પ્રભુત્વવાળા વિસ્તારોમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

ભાજપે સુરગુજાની તમામ 14 બેઠકો અને બસ્તર વિભાગની 12માંથી 8 બેઠકો કબજે કરી લીધી છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે આદિવાસી કાર્ડ રમ્યું છે. વિષ્ણુદેવ સાયે પોતાની રાજકીય કારકિર્દી ગામડાના રાજકારણથી શરૂ કરી હતી. તેઓ 1990માં ભાજપની ટિકિટ પર પહેલીવાર ટપકારા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. 8 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા બાદ તેઓ 2004માં રાયગઢથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમને મોદી સરકારમાં સ્ટીલ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY