જીવના જોખમે અને માતબર રૂપિયા ખર્ચીને પણ અમેરિકા જવા માગતા વ્યક્તિઓને વિઝાની લાલચ આપી તેના પરિવાર પાસેથી પૈસા પડાવતી ટોળકીના અમદાવાદના વધુ એક એજન્ટ દેવમ બ્રહ્મભટ્ટને કલોલ પોલીસે રવિવારે ઝડપી લીધો હતો, પરંતુ કલોલના વેપારી ઉપર ફાયરિંગ કરનાર રેયાન નામના શખ્સને ઝડપી લેવામાં પોલીસ હજુ સફળ રહી નથી.
ફાયરિંગ થતા કલોલના વેપારીએ રૂત્વીક પારેખ નામના એજન્ટને દબોચી લઇ પોલીસના હવાલે કર્યો હતો. તે પછી દેવમ ગોપાલભાઇ બ્રહ્મભટ્ટ (બી-૩૦૨, ડાયમન્ડ ગ્રીન એપાર્ટમેન્ટ, નિગમનગર, ચાંદખેડા)નામના બીજા એજન્ટને પોલીસે ઝડપી લીધો હતો. આ બન્નેની ઉલટ તપાસ હાથ ધરી કલોલ પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેમાં એવી હકીકત ખુલી છે કે આ ટોળકી અમેરિકાના ટ્રાન્ઝીટ વિઝા (સી-વિઝા)ની લાલચ આપી છેતરપિંડી કરતી હતી.
બનાવની વિગત એવી છે કે કલોલના વેપારી વિષ્ણુભાઇ પટેલે (મારૂતિ બંગલો, કલોલ) તેમના ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલીને અમેરિકા મોકલવા અમદાવાદની એજન્ટ ટોળકી સાથે રૂ. ૧.૧૦ કરોડમાં સોદો કર્યો હતો.
તેમાં એવું નક્કી થયું હતું કે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા પછી વિષ્ણુભાઇએ રૂ. ૧૦ લાખની રોકડ બતાવવી પડશે. ત્યારે બાદ અડધી રકમ બે દિવસમાં તેમજ બાકીના તમામ રૂપિયા દોઢ મહિના પછી આપી દેવાના. દરમિયાન વિશાલ અને રૂપાલીને અમદાવાદ એરપોર્ટથી દિલ્હીની ફ્લાઇટમાં બેસાડી એજન્ટ રૂત્વીક અને વિષ્ણુભાઇ કલોલ આવવા કારમાં નીકળ્યા હતાં. રસ્તામાં રેયાન નામનો શખ્સ કારમાં બેસી સાથે આવ્યો હતો અને પાછળ આવેલા બીજા બે શખ્સો વિષ્ણુભાઇના ઘરની બહાર ઊભા રહ્યાં હતાં. વાત થયા મુજબ વિષ્ણુભાઇએ ઘરે રૂત્વીક અને રેયાનને રૂ. ૧૦ લાખની રોકડ બતાવી હતી. ત્યારે સોદાની વાતને ફેરવી તોળી પૈસા આપી દેવા ધાકધમકી આપી રેયાન નામના એજન્ટે ફાયરિંગ કર્યુ હતું, પરંતુ વિષ્ણુભાઇ ખસી જતાં ગોળી સોફામાં ઘુસી ગઇ હતી. ત્યારે વિષ્ણુભાઇએ એજન્ટ રૂત્વીક વિજય પારેખ (સરદાર પટેલ નગર, નારણપુરા, અમદાવાદ)ને તેમના ઘરમાંજ દબોચી લીધો હતો. બુમરાણ થતાં રેયાન નામનો શખ્સ અને ઘરની બહાર ઉભેલા તેના અન્ય બે સાગરીત સાથે ત્રણેય જણા નાસી ગયા હતાં.