હોમ ઑફિસ દ્વારા પાર્ટનર વિઝાની અરજીને વિઝીટર વિઝા અરજી માનીને નકારી કાઢવામાં આવતા 31 વર્ષીય બેરીસ્ટર સમીર પાશા તેની 24 વર્ષીય પત્ની ઝુનાબ ફારેહ પાશાને યુકેમાં લાવવામાં અસમર્થ રહ્યા હતા. સમીરે ડિસલેક્સિયા નિષ્ણાત પત્નીને યુકે લાવવા માટે કુલ £3,204 અને કાનૂની ખર્ચ ચૂકવ્યો હતો.
ડિસેમ્બર 2019માં પાકિસ્તાનમાં લગ્ન કરનાર સમીરે ઇમિગ્રેશન માટે જરૂરી એવા સ્પોન્સરશીપ વિઝા અરજી સાથે તેમના સંબંધો, નાણાકીય સંજોગો અને નોકરી અંગેના સેંકડો પાનાના પૂરાવા હોમ ઑફિસમાં જમા કરાવ્યા હતા.
પણ હોમ ઑફિસે તેમના અરજીને £95ની ફી ધરાવતા સામાન્ય વિઝીટર વિઝા માટેની અરજી ગણી તેને નામંજૂર કરી હતી. જે અરજી તેમણે કરી જ નહોતી. હવે થયું છે એવું કે સમીર પાશાને આ હુકમ સામે અપીલ કરવાનો કે વહીવટી સમીક્ષાનો કોઈ અધિકાર નથી. સમીર પત્ની સાથે પાકિસ્તાનમાં છે અને બ્રિટિશ ઇમિગ્રેશન સિસ્ટમ પરનો તેમનો વિશ્વાસ બરબાદ થઈ ગયો છે.
ગાર્ડિયન અખબારે સંપર્ક કર્યા બાદ હોમ ઓફિસે પાશાની માફી માંગી જીવનસાથી વિઝા અરજી પર પુનર્વિચારણા કરશે તેમ જણાવ્યું હતું.
સમીરના ભાઇએ પોતાની પત્ની રાબિયાને બોલાવવા માટે કરેલી મેરેજ વિઝાની અરજી નામંજૂર કરાઇ હતી. ઇમિગ્રેશન ટ્રિબ્યુનલે તે સમયે હોમ ઑફિસના દાવા નકારી કાઢી તે દંપતીને £ 140 ચૂકવવાનો આદેશ આપ્યો હતો જે કે તે હજી સુધી મળ્યા નથી.
એમટીસી સોલીસીટર્સ ફર્મમાં સિનિયર કેસવર્કર તરીકે કામ કરતા ક્વોલીફાઇડ બેરિસ્ટર સમીર પાશાને તેના સાથી વકીલ નાગા કંડિયાએ પાર્ટનર વિઝા માટેની અરજીમાં મદદ કરી હતી.