મુંબઇ ખાતેની અમેરિકન એમ્બેસીએ જણાવ્યું છે કે, યુએસના વિઝાનું રીન્યુઅલ ઇચ્છતા લોકો હવે ડ્રોપબોક્સ દ્વારા અરજી જમા કરાવી શકે છે. એમ્બેસીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ઇમેઇલ દ્વારા મોકલાવામાં આવેલા આવી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. મુંબઇમાં યુએસ કોન્સ્યુલેટ જનરલ ખાતેના કોન્સ્યુલર ચીફ જોન બલ્લાર્ડના જણાવ્યા અનુસાર ભારતમાં અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે 2023માં ભારતીય વિદ્યાર્થીઓ પાસે મોટી સંખ્યામાં વિઝા અરજી મળવા માટેની તૈયારી કરી છે.
એમ્બેસીએ 2022માં 125,000થી વધુ સ્ટુડન્ટ વિઝાની અરજી પર નિર્ણય કર્યો હતો. બલ્લાર્ડે વધુમાં જણાવ્યું હતું કે, અમે ભારતમાં અત્યાર સુધી જેટલા વિદ્યાર્થીઓ માટે નિર્ણય કર્યો છે, તેમાં આ સંખ્યા સૌથી વધુ છે. 2023માં અમારી પાસે ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી વધુ આવશે તેવી અમને અપેક્ષા છે.