ઘણાં દર્દીઓને ઓનલાઇન કે વર્ચ્યુઅલ એપોઇન્ટમેન્ટથી સંતોષ નથી ત્યારે NHS દર્દીઓને ઘેર બેઠા સારવાર આપવા માટે ટેક્નોલોજી આધારિત હોમ બેઝ્ડ ટેકનો ઉપયોગ કરવાના સૌથી મોટા પડકારને ઝીલી રહી છે. આ હેતુને સર કરવા NHS એ 94 વર્ષીય ચંદુલાલ પારેખની ઘેર બેઠા વર્ચ્યુઅલ વોર્ડમાં સારવાર આપવાનું શરૂ કર્યું છે. આશા છે કે આવા વર્ચ્યુઅલ વોર્ડની સારવાર વૃદ્ધ દર્દીઓ માટે સુલભ બનશે.
સરકારે તાજેતરમાં ઘોષણા કરી હતી કે તે આ વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછા 10,000 દર્દીઓને ‘વર્ચ્યુઅલ વોર્ડ’માં ઘરે સારવાર કરવા માંગે છે.
નોર્થ વેસ્ટ લંડનના સ્ટેનમોરમાં રહેતા ભૂતપૂર્વ એકાઉન્ટન્ટ ચંદુલાલ પારેખ લંડનની નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં ડાયાબિટીસ માટે વર્ચ્યુઅલ વોર્ડમાં સારવાર મેળવનાર પ્રથમ વ્યક્તિઓમાંના એક બન્યા છે. તેમના બ્લડ સુગરના સ્તરને ચકાસવા માટે તેઓ પોતાના આઈપેડ પર એક એપ્લિકેશનનો ઉપયોગ કરે છે જેના પર નિષ્ણાત નર્સો દ્વારા દિવસમાં ઘણી વખત દૂરથી ધ્યાન રાખવામાં આવે છે.
ડાયાબિટીસ નર્સ કન્સલ્ટન્ટ શેરોન મેકકાર્થીએ જણાવ્યું હતું કે “મોટા ભાગના લોકો હોસ્પિટલમાં વધુ સમય સુધી રહેવા માંગતા ન હોવાથી અમે આ રીતે મદદ કરીએ છીએ. દર્દીઓની સ્થિતિ સ્થિર થયા પછી તેમને વર્ચ્યુઅલ વોર્ડમાંથી રજા આપવામાં આવે છે. શરૂઆતમાં તેઓ અમને દિવસમાં ચારથી પાંચ રીડિંગ મોકલી શકે છે. જો અમને કંઈપણ અપ્રિય જણાય, તો અમે તેમને કૉલ કરીએ છીએ અને દવામાં ફેરફાર વિશે સલાહ આપીએ છીએ.’’
ડાયાબિટીસ VWના દર્દીઓ પોતાને મળેલ બ્લડ ગ્લુકોઝ મીટરના રીડીંગને એક એપ્લિકેશન દ્વારા પ્લેટફોર્મ પર અપલોડ કરે છે અને તેને દૂર રહે હોસ્પિટલમાં વર્ચ્યુઅલી મોનિટર કરી શકાય છે. આ ટ્રસ્ટ હાર્ટ ફેઇલ્યોર, શ્વસન રોગ, ચેપી ડાયાબિટીસ માટે વર્ચ્યુઅલ વોર્ડ ચલાવે છે. જેમાં કાન, નાક અને ગળાના રોગો તેમજ એન્ડ ઓફ લાઇફ કેર માટે વધારાના વર્ચ્યુઅલ વોર્ડનું આયોજન કરાયું છે.