વર્જિન ગેલેક્ટીકે એક સુપરસોનિક કોમર્શીયલ જેટ વિકસાવવા માટે રોલ્સ રોયસ સાથે ભાગીદારી કરી છે. જે જેટ અવાજની ગતિ કરતા ત્રણ ગણી ઝડપે ઉડાન ભરશે અને લંડનથી ન્યુ યોર્ક સુધીની સફર માત્ર 90 મિનિટમાં જ પૂરી કરી દેશે. આમ ધનાઢ્ય બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ તેમનુ ન્યુયોર્કનું કામ તે જ દિવસે પતાવીને પરત લંડન આવી શકશે.
જાહેર કરાયેલ ડિઝાઈનને નાસાએ પણ સહયોગ આપ્યો છે. આ જેટ નવ અને 19 મુસાફરો તથા ક્રુ સાથે ઉડી શકશે અને તે ધરતીથી 60,000 ફૂટ (18.2 કિમી)ની ઉંચાઇએ ઉડશે. વર્જિન ગેલેક્ટીકે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ હાઇ-સ્પીડ હવાઈ મુસાફરીને “વ્યવહારિક, ટકાઉ, સલામત અને વિશ્વસનીય” બનાવવાનો છે.
વર્જિન ગેલેક્ટીકના ચીફ સ્પેસ ઑફિસર, જ્યોર્જ વ્હાઇટસાઇડ્સે કહ્યું હતું કે “અમે રોલ્સ-રોયસની નવીન ટીમ સાથે સહયોગ કરીને ખુશ છીએ. અમે વિમાન માટે ટકાઉ, કટીંગ એજ પ્રોપલ્શન સિસ્ટમ્સ વિકસાવવા માટે પ્રયત્નશીલ છીએ. અમે હાઈ-સ્પીડ ટ્રાવેલ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કરવા આગળ ધપી રહ્યા છીએ.’’
વર્જિન ગેલેક્ટીક યુકેના જાણીતા ઉદ્યોગપતિ સર રિચાર્ડ બ્રાન્સનના વર્જિન જૂથનો ભાગ છે અને કંપનીએ એક મિશન કન્સેપ્ટ સમીક્ષા પૂર્ણ કરી છે, જે આ પ્રક્રિયામાં એક નિર્ણાયક પ્રારંભિક પગલું છે. પ્રોપલ્શન સિસ્ટમ્સ વિકસાવવા માટે કંપનીએ રોલ્સ રોયસ સાથે નોન-બાઇન્ડીંગ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે.
લોકહિડ માર્ટિન, એરીઅન, સ્પાઇક એરોસ્પેસ અને બૂમ સુપરસોનિક જેવી કંપનીઓ “હાઇ-સ્પીડ પેસેન્જર ટ્રાવેલ” પર કામ કરી રહી છે જેનો હેતુ “ક્વાઇટ-બૂમ” ટેક્નોલોજી પર કામ કરવાનો છે.
એરીઅન AS2 A – 12 સીટનુ મેક 1.4 (1,037mph) ઝડપ ધરાવતું 12 સીટના જેટની ટેસ્ટ ફ્લાઇટ્સ 2024માં ઉડાન ભરશે. સ્પાઇક એસ-512 18 સીટનું 1.6 મેક 1.4ની ઝડપ ધરાવતું જેટ 2025 સુધીમાં હવામાં ઉડશે. બૂમ ઓવરચર, 55 સીટ સાથે મેક 2.2 (1,630mph) ની ઝડપ ધરાવશે અને 2025માં ટેસ્ટ થશે. બોઇંગ મેક 5 (3,806 mph)ની ગતિ સાથેનું હાઇપરસોનિક જેટ બનાવવા માંગે છે. આશા છે કે તે 2030ના અંતમાં તેની સેવા આપશે.