વન-ડેની કેપ્ટનશીપ છીનવી લીધા બાદ રોહિત શર્મા સાથેના વિવાદના અહેવાલો વચ્ચે વિરાટ કોહલીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં વન-ડે શ્રેણી રમશે. તેણે રજા અથવા આરામ લેવાની બાબતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. કોહલીએ કહ્યું, ‘હું વનડે શ્રેણી માટે ઉપલબ્ધ છું. લોકો ખોટું લખી રહ્યા છે, તેમના સ્રોત નક્કર નથી.
T-20 ઈન્ટરનેશનલની કેપ્ટનશીપ છોડતા પહેલા મેં બીસીસીઆઈને આ અંગે જાણ કરી હતી અને પોતાનો દૃષ્ટિકોણ સમજાવ્યો હતો. બીસીસીઆઈએ મારા નિર્ણયને સહજતાથી સ્વીકારી લીધો. કોઈ ઝઘડો કે વિવાદ નહોતો. મેં ત્યારે જ સ્પષ્ટ કર્યું હતું કે હું માત્ર T20ની કેપ્ટનશીપ છોડી રહ્યો છું, હું ટેસ્ટ અને ODIની કેપ્ટનશીપ ચાલુ રાખીશ. મેં તે સમયે સ્પષ્ટ કહ્યું હતું કે જો પદાધિકારીઓ અથવા પસંદગીકારો મને કોઈ જવાબદારી આપવા નથી માંગતા, તો હું તેના માટે પણ તૈયાર છું.’
કોહલીએ જણાવ્યું હતું કે ‘કેટલીક બાબતો તો ભૂતકાળમાં સામે આવી હતી કે હું કાર્યક્રમોમાં હાજરી આપતો હતો, આવી બાબતો વિશ્વસનીય નથી. ટેસ્ટ ટીમની પસંદગીના દોઢ કલાક પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમની ચર્ચા થઈ અને ફોન કોલની પાંચ મિનિટ પહેલા પાંચ પસંદગીકારોએ મને કહ્યું કે હું ODI ટીમની કેપ્ટનશીપ નહીં કરું. મેં પસંદગીકારોના નિર્ણયનો સ્વીકાર કર્યો છે.
ODI કેપ્ટનશીપમાંથી હટાવવાનો નિર્ણય અંગેના સવાલનો જવાબ આપતા કોહલી કહે છે, ‘હું કારણ સમજી શકું છું. બીસીસીઆઈએ તાર્કિક નિર્ણય નિર્ણય લીધો છે. મારી અને રોહિત શર્મા વચ્ચે કોઈ સમસ્યા નથી. હું છેલ્લા બે વર્ષથી ખુલાસો આપી રહ્યો છું અને થાકી ગયો છું. મારું કોઈ પણ કામ કે નિર્ણય ટીમને નીચે દેખાડવા માટે નહીં હોય.’
આ પહેલા વિરાટ મુંબઈમાં ટીમ કેમ્પમાં સામેલ થયો ન હતો. ત્યારપછી રોહિત શર્મા ઈજાના કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પરની ટેસ્ટ શ્રેણીમાંથી ખસી ગયો હતો. આ સમાચાર પછી બીજા દિવસે વિરાટ ટીમ સાથે જોડાય છે, પરંતુ પછી સમાચાર આવે છે કે વિરાટ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ODI શ્રેણી નહીં રમે અને તે પુત્રી વામિકાના પ્રથમ જન્મદિવસના કારણે તે થોડો સમય વિરામ લઈને પરિવાર સાથે વિતાવવા માંગે છે. બસ આની સાથે જ અફવા શરૂ થઈ ગઈ છે કે ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર નથી.
બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે વિરાટને ટી20ની કેપ્ટનશીપ ન છોડવા માટે વિનંતી કરી હતી, પરંતુ તે માન્યા ન હતા. હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડ વિરાટના તાજેતરના વલણથી નારાજ છે.