ભારતમાં કોરોનાના કારણે મચેલી તબાહી વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ લોકોને મદદ કરવા માટે બે કરોડ રુપિયાનુ દાન કર્યુ છે. કોરોના મહામારી સામે દેશને સપોર્ટ કરવા આ દંપતિએ કુલ રૂ.7 કરોડ એકત્ર કરવા ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ કેટ્ટો મારફત ભંડોળ એકત્રીકરણ પ્રોજેક્ટ્સ શરુ કર્યો છે.
કોરોનાની પહેલી લહેર વખતે પણ આ દંપતિએ ત્રણ કરોડ રુપિયાનુ ડોનેશન આપ્યુ હતુ. આમ બે વર્ષમાં વિરાટ અને અનુષ્કા પાંચ કરોડ રુપિયાની મદદ કરી ચુક્યા છે. વિરાટ કોહલીએ ટવીટ કરીને આ જાણકારી આપી હતી.
તેઓ એક એનજીઓ મારફત આ ભંડોળ એકઠુ કરી રહ્યા છે. વિરાટ અને અનુષ્કાએ આ અભિયાનના ભાગરુપે બે કરોડ રુપિયા આપ્યા છે. બીજી રકમ માટે તેમણે લોકોને અપીલ કરી છે. આ રકમનો ઉપયોગ ઓક્સિજન અને બીજી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે થશે.
કોહલીએ કહ્યુ હતુ કે, આપણો દેશ આ સમયે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. આપણા દેશે હાલમાં એક સાથે રહેવાની અને લોકોના જીવ બચાવવાની જરુર છે. હું અને અનુષ્કા લોકોની પીડા જોઈને દર્દ અનુભવી રહ્યા છે. અમે વધુને વધુ લોકોને મદદ મળે તે માટે કામ કરી રહ્યાં છીએ.