મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સેવાદળ તરફથી વહેચવામાં આવેલા પુસ્તક પર વિવાદ સર્જાયો છે. આ પુસ્તક વીર સાવરકર ઉપર લખવામાં આવ્યું છે. આ પુસ્તકનું ટાઈટલ ‘વીર સાવરકર કેટલા વીર’ છે. ભોપાલમાં યોજાયેલા 10 દિવસના ટ્રેનિંગ કેમ્પમાં આ પુસ્તકની વહેચણી કરવામાં આવી હતી. તેમાં મહાત્મા ગાંધીની હત્યા, નાથૂરામ ગોડસે અને વીડી સાવરકરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે નાથૂરામ ગોડસે અને વીર સાવરકર વચ્ચે સમલૈંગિક સંબંધો હતા.
‘વીર સાવરકર કેટલા વીર’માં કેટલાક પુસ્તકોના હવાલાથી તમામ પ્રકારના દાવા કરવામાં આવ્યા છે. ડોમિનિક લેપિયર અને લેરી કોલિનના પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઈટ’નો ઉલ્લેખ કરતા તેમાં લખ્યું છે કે, ‘બ્રહ્મચર્ય ધારણ કરતા પહેલા નાથૂરામ ગોડસેએ એક જ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ એક સમલૈંગિક સંબંધ હતો. આ સંબંધમાં તેમના પાર્ટનર તેમના રાજકીય ગુરૂ વીર સાવરકર હતા. વીર સાવરકર લઘુમતી કોમની મહિલાઓ પર બળાત્કાર કરવા માટે લોકોને ઉશ્કેરતા હતા.’
પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, સાવરકર જ્યારે 12 વર્ષના હતા ત્યારે તેમણે મસ્જિદ પર પત્થર ફેંક્યા હતા અને ત્યાંની ટાઈલ્સ પણ તોડી દીધી હતી. પુસ્તકના 14માં પાના પર પ્રશ્ન છે કે, શું સાવરકર હિંદુઓને લઘુમતી કોમની મહિલાઓ પર બળાત્કાર કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા? તેના જવાબમાં લખવામાં આવ્યું છે કે ‘હા, આ વાત એકદમ સાચી છે. સાવરકરે બાળાત્કારને એક ન્યાયસંગત રાજનૈતિક હથિયાર ગણાવ્યું હતું. તેમના પુસ્તક ‘સિક્સ ગ્લોરિયસ એપોક્સ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી’માં પશુઓ સાથે વ્યવહારિક પ્રવૃત્તિને સાંકળતા સાવરકરે સમજાવ્યું છે કે કેવી રીતે પશુઓએ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે પોતાની વસ્તી વધારવી જોઈએ.’
સીતા અને રાવણનો ઉલ્લેખ કરતા સાવરકરે પુસ્તકમાં લખ્યું છે કે દુશ્મનની સ્ત્રીનું અપહરણ તેના પર બળાત્કાર ગુજારવાને શું તમે અધર્મ ગણો છો. આ તો પરમધર્મ છે, મહાન કર્તવ્ય છે. તેમના માનવા પ્રમાણે મુસ્લિમ મહિલાઓ હિંદુઓની વિરુદ્ધમાં એટલા માટે ઉભી હોય છે કારણ કે તેમને ડર લાગતો હોય છે કે તેઓ પોતાનો બદલો લેશે. કે જે એ વિકૃત વિચારસરણી ધરાવે છે કે મહિલાઓને શિષ્ટાચાર અને સમ્માન આપવું જોઈએ.
કોંગ્રેસના પુસ્તકમાં લખેલી વાતો પર ભારતીય જનતા પાર્ટીએ સખત વિરોધ વ્યક્ત કર્યો છે. ભાજપે પ્રદેશ ઉપાધ્યક્ષ રામેશ્વર શર્માએ કહ્યું કે, ‘મહિલાઓને તંદૂરમાં સળગાવનારી કોંગ્રેસ પાર્ટી પાસેથી વધારે આશા પણ શું રાખી શકીએ? કોંગ્રેસ ફક્ત સોનિયા ગાંધીના હાથની કઠપુતળી બનીને રહી ગયું છે. તેથી આવી વાતો કરી રહ્યું છે. કારણ કે તેમને ડર છે કે દેશમાં કાશ્મીર, અયોધ્યા અને ટ્રિપલ તલાક જેવા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હોવા છતા દેશમાં એક પણ જગ્યાએ રમખાણો નથી થયા. તેથી કોંગ્રેસ જાણી જોઈને મુસ્લિમોના મત મેળવવા માટે આવું છેલ્લી કક્ષાનું કામ કરી રહી છે.’