અમૂલ ડેરી તરીકે જાણીતી ગુજરાતની સૌથી જૂની મિલ્ક કો-ઓપરેટિવ ખેડા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડક્યુસર્સ યુનિયનના નવા ચેરમેન તરીકે મંગળવારે વિપુલ પટેલ ચૂંટાઈ આવ્યા છે. વિપુલ પટેલ ભાજપ આણંદ જિલ્લા એકમના પ્રમુખ છે. વિપુલ પટેલ ચૂંટાઈ આવવાની સાથે રામસિંહ પરમારના એકહથ્થું શાસનનો અંત આવ્યો છે. રામસિંહ પરમાર 20 વર્ષ સુધી આ કો-ઓપરેટિવના ચેરમેન હતા.
30 જાન્યુઆરીએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કાંતિ સોઢા પરમાર આ સહકારી મંડળીના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે. કાંતિ સોઢાએ કોંગ્રેસ પાર્ટીના રાજેન્દ્રસિંહ પરમારનું સ્થાન લીધું છે જેઓ 2006થી તેના વાઇસ ચેરમેન પદ પર હતા.
આ બાબતે ચરોતર પંથકના રાજકારણ વાતાવરણ ગરમાયું હતું.આણંદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સહિત 5 કોંગ્રેસ સમર્થક આગેવાનો ભાજપમાં જોડાઈ જતા અમૂલમાં ભાજપની બહુમતી થઈ છે.
અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના સંકલ્પ સાથે ચૂંટણી યોજાઈ હતી. વડાપ્રધાન મોદી અને અમિત શાહની સૂચનાથી સુચારુ વહીવટના સંકલ્પ સાથે બંનેની નિમણૂક કરવામાં આવી છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ પર પ્રથમ વખત સંપૂર્ણ રીતે ભાજપનો ભગવો લહેરાયો છે. વિપુલ પટેલ અને કાંતિભાઈ સોઢા પરમાર બંને ભાજપ સાથે જોડાયેલા છે.