Vipul Chaudhary, former chairman of Dudhsagar Dairy, arrested on corruption charges
ફાઇલ ફોટો ફોટો સૌજન્ય @DudhsagarDairyOfficial

દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન તથા રાજયના ભૂતપૂર્વ રાજ્ય ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની ભ્રષ્ટાચારના આરોપને આધારે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ ગાંધીનગરના તેમના નિવાસસ્થાનેથી બુધવારની મોડી રાત્રે ધરપકડ કરી હતી, એમ ગુરુવારે અધિકારીઓએ જણાવ્યું હતું.

એસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એસીબી મહેસાણા શાખામાં ડેરીના નાણાની કથિત ઉચાપત બદલ વિપુલ ચૌધરી અને તેમના પર્સનલ સેક્રેટરી સામે મે મહિનામાં ફરિયાદ દાખલ થઈ હતી. તે સમયે વિશ્વાસના ગુનાહિત ભંગ, છેતરપિંડી, ફોર્જરી અને ષડયંત્ર માટે આઇપીસીની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા.

વિપુલ ચૌધરીના પર્સનલ સેક્રેટરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શેલૈષ પરીખને પણ આ કેસમાં અટકાયતમાં લેવાયા છે. દુધસાગર ડેરીના આશરે રૂ.300 કરોડ આ ડેરી સાથે બિઝનેસ કરતી એક એજન્સીના નામે ડાઇવર્ટ કરાયા હોવાનું માનવામાં આવે છે. 17 બેનામી કંપનીઓ ઊભી કરીને આ રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના આક્ષેપો કરાયા હતા.

વિધાનસભાની ચૂંટણી ટાણે વિપુલ ચૌધરીની વધુ એક વખત ધરપકડ કરાઈ છે. આથી, ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેટલો ફેર પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. વિપુલ ચૌધરી અને તેમના ટેકેદારો દૂધસાગર ડેરીની આગામી ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યાં છે. ચૌધરી ભાજપના નેતા પણ છે અને આંજણા ચૌધરી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમુદાય ઉત્તર ગુજરાતની આશરે એક ડઝન બેઠક પર પ્રભુત્વ ધરાવે છે.

LEAVE A REPLY