અમુલના ભૂતપૂર્વ ચેરમેન અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની રૂ.14.80 કરોડના કથિત બોનસ કૌભાંડમાં ગુજરાત પોલિસના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)એ રવિવારે ધરપકડ કરી હતી. પાંચ જાન્યુઆરીએ મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના થોડા સપ્તાહ પહેલા ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. સેશન કોર્ટે વિપુલ ચૌધરીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
વિપુલ ચૌધરી 2014માં દૂધસાગર ડેરીના વડા પણ હતા. રૂ.22 કરોડના કથિત કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના આરોપ બાદ તેમની અમુલ અને દૂધસાગર ડેરીમાંથી હકાલપટ્ટી થઈ હતી. દૂધસાગર ડેરીના કર્મચારીઓના પગાર અને બોનસ બાબતે થયેલી રૂ.22 કરોડના કથિત ઉચાપત કેસમાં CID ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં વિપુલ ચૌધરી આરોપી હતા. આ કેસમાં CID ક્રાઈમે તેમની શનિવારે મોડીરાત્રે ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટના બાદ વિપુલ ચૌધરીનું એક લેખિત નિવેદન સામે આવ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું છે કે, સાગરદાણમાં કોઇ કૌભાંડ થયું નથી.
CID ક્રાઈમે 14 દિવસના રિમાન્ડ માગણી કરી હતી. CID ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે વિપુલ ચૌધરી તપાસમાં સહકાર આપતા નથી. 30 જેટલા અધિકારી-કર્મચારીઓની મદદથી કૌભાંડ આચર્યું હોવાની આશંકા છે. દૂધ સાગર ડેરીની અન્ય રાજ્યોમાં પણ શાખાઓ આવેલી હોવાથી આંતરરાજ્ય ગુનો બને છે. જેની તપાસ જરૂરી છે.